Last Updated on by Sampurna Samachar
ખૂંખાર માઓવાદી સંગઠને ૪૦ વર્ષે હથિયાર નાંખ્યા
૧૩ કેન્દ્રીય સમિતિ સ્તરના ટોચના નેતા પણ સામેલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરમાં સુરક્ષા દળો દ્વારા સતત અને સઘન કાર્યવાહી હાથ ધરાતાં ચાર દાયકા સુધી હથિયારોની તાકાત પર ક્રાંતિનો દાવો કરનારા નક્સલવાદી જૂથે હથિયાર ફેંક્યા છે. છેલ્લા ૧૮ માસમાં ૫૦૦ થી વધુ માઓવાદીઓ માર્યા ગયા છે. જેમાં ૧૩ કેન્દ્રીય સમિતિ સ્તરના ટોચના નેતા પણ સામેલ છે. માત્ર છત્તીસગઢમાં જ ટોચના કમાન્ડર બસવ રાજુ, ચલપતિ, સુધાકર, અને મોડેમ બાલકૃષ્ણ ઠાર થયા છે.

આશરે ૨,૦૦૦ કેડર અને સમર્થકોએ આત્મસમર્પણ કર્યું છે. આ દબાણ વચ્ચે માઓવાદી જૂથે પ્રથમ વખત હથિયાર મૂકી શાંતિ વાર્તા કરવાની પહેલ કરી છે. કેન્દ્ર સરકારના નક્સલવાદ ખતમ કરવાના મિશન પર સુરક્ષા દળો દ્વારા મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માઓવાદી જૂથોના વડાઓ ઠાર થયા બાદ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ માઓવાદી જૂથ અભયના નામથી એક પત્ર મળ્યો હતો.
૧૫૦૦થી વધુ માઓવાદીએ હથિયાર ફેંક્યા
જેમાં માઓવાદી જૂથે સંઘર્ષ વિરામની જાહેરાત કરતાં કહ્યું હતું કે, અમે લોકશાહી પ્રક્રિયામાં સામેલ થઈ જનતાની સમસ્યાઓનો ઉકેલ ઈચ્છીએ છીએ. આ પત્રમાં જૂથના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ, ઈમેઈલ એકાઉન્ટ અને અભયની તસવીર જાહેર કરવામાં આવી હતી.
સુરક્ષા નિષ્ણાત આ ઈમેઈલને બે દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે, એક શાંતિ પ્રક્રિયાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું અને બીજુ આ શંકાસ્પદ પણ છે. અત્યારસુધી માઓવાદીના લીડરે ક્યારે પણ પોતાની તસવીર રજૂ કરી ન હતી. પત્રમાં આપવામાં આવેલા ઈમેઈલ અને ફેસબુક એકાઉન્ટ સુરક્ષા એજન્સીઓના જૂથના નેટવર્ક અને હેન્ડલર્સ સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે. જેથી ગૃહમંત્રી વિજય શર્માએ પત્રની ચકાસણી કરવા નિર્દેશ આપ્યો છે.
માઓવાદી જૂથે છેલ્લા દસ મહિનામાં છઠ્ઠી વખત સરકાર સાથે સંવાદ કરવાની અપીલ કરી છે. જોકે, તેના અગાઉના પ્રયાસ હિંસા અને સુરક્ષા દળો પર હુમલાઓના કારણે નિષ્ફળ રહ્યા હતા. સરકાર સતત કહેતી રહી છે કે, હથિયારોની સાથે કોઈપણ પ્રકારની વાતચીત સંભવ નથી. જેથી આ વખતે માઓવાદીઓએ ઉલ્લેખ કર્યો છે કે, અમે શાંતિ વાર્તા પર સહમત કેડર ઉપરાંત જેલમાં કેદ સભ્યો અને અન્ય રાજ્યોમાં સક્રિય નેતાઓની ભલામણ પર ધ્યાન આપીશું. જેના માટે એક મહિનાનો સંઘર્ષવિરામ માગ્યો છે. જેથી સચોટ વાતચીત થઈ શકે.
છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, અને ઝારખંડમાં ચાલી રહેલા સંયુક્ત ઓપરેશને માઓવાદીઓને ભયભીત કર્યા છે. જાન્યુઆરી, ૨૦૨૫થી અત્યારસુધીમાં છત્તીસગઢમાં ૪૬૩ માઓવાદી ઠાર થયા છે. જ્યારે એસઝેડસીએમ સ્તરના ૧૩થી વધુ નેતાઓના પણ એન્કાઉન્ટર થયા છે.
કેન્દ્રિય માઓવાદી જૂથ સુજાતાએ ત્રણ દિવસ પહેલાં તેલંગાણામાં આત્મસમર્પણ કર્યું હતું. તે પહેલાં એસઝેડસીએમ કમલેશ, કકરાલા સુનિતા, અને કેવલ બસ્તરમાં સક્રિય ૧૫૦૦થી વધુ માઓવાદીએ હથિયાર ફેંક્યા છે. મે, ૨૦૨૪માં ગઢચિરોલીમાં માઓવાદીના ૨૮ નેતા માર્યા ગયા હતા.