Last Updated on by Sampurna Samachar
કોર્પોરેશનની રખડતા શ્વાન પકડનારી ટીમ દેખાતી નથી
હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના હીરાબાગ ક્રોસિંગ અને શારદા મંદિર રોડ પાસે એક જ દિવસમાં ૫ થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો હોવાની ઘટનાથી ખળભળાટ મચ્યો છે. એક ઘટનામાં PG માં રહેતા યુવક પર શ્વાને હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં બાળક, વૃદ્ધ સહિતના લોકો પર શ્વાનના હુમલાની ઘટના વધી રહી છે. જેમાં શહેરના હીરાબાગ સહિતના વિસ્તારમાં ૫થી વધુ લોકોને શ્વાન કરડવાથી સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે.
શ્વાનને પકડવાની કામગીરી કરવા AMC પાસે માંગ
શહેરના શારદા મંદિર રોડ પર આવેલા એક યુવક પર શ્વાને હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા છે. વીડિયોમાં જોવા મળે છે કે, યુવક જ્યારે વ્હીકલ પાર્ક કરવા જાય છે, ત્યારે અચાનક શ્વાન ત્યાં આવીને યુવક પર હુમલો કરે છે અને પગના ભાગે કરડવા લાગે છે. આ દરમિયાન એક વ્યક્તિ યુવકને બચાવવા દોડી આવે છે.
બીજી તરફ, પાલડીના સુખીપુરામાં પાનનો ગલ્લો ચલાવતા વ્યક્તિ પર શ્વાને હુમલો કરીને ગંભીર ઈજાગ્રસ્ત કર્યો હતો. આ પછી યુવક સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રખડતા શ્વાન પકડનારી ટીમ દેખાતી નથી. રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા શ્વાનને પકડવાની કામગીરી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે.