૫૨ બેઠક માટે ૪૯૦થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી ભાજપ માટે કોયડા સમાન!

૪૯૦થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા ભાજપ માટે ઉમેદવારોની પસંદગી લોઢાના ચણા ચાવવા સમાન

(સંપૂર્ણ સમાચાર સેવા)​

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. પરંતુ મનપાના ૧૩ વોર્ડની કુલ ૫૨ બેઠક માટે ૪૯૦થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા ભાજપ માટે ઉમેદવારોની પસંદગી લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે ત્યારે ભાજપ દ્વારા કોના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મનપામાં કોર્પોરેટર બનવાના અભરખા સાથે ભાજપમાંથી ટિકિટ મેળવવા લાંબી લાઇન લાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

૯ વ્યક્તિઓ વચ્ચે ટિકિટ મેળવવા હરીફાઈ

સુરેન્દ્રનગર મનપામાં કુલ ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે બે દિવસ નમો કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી ત્યારે સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારી કરવા કાર્યકર્તા, આગેવાનો અને પૂર્વ નગરસેવકોએ લાંબી લાઇન લગાવતા કુલ દાવેદારોનો આંકડો ૪૯૦ને પાર પહોંચ્યો છે. કુલ ૫૨ બેઠકો માટે નવ ગણા લોકો એટલે કે ૪૯૦ થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા એક બેઠક પર સરેરાશ ૯ વ્યક્તિઓ વચ્ચે ટિકિટ મેળવવા હરીફાઈ થશે.

ટિકિટ મેળવવા માટે અગાઉના ૪૦થી વધુ પાલિકાના પૂર્વ સદસ્યો, ૨૭ જેટલા સંગઠનના હોદ્દેદારોએ માંગણી કરી છે તેમજ ૧૦ થી વધુ એવા હોદ્દેદારો પણ છે કે જેમણે પોતાના માટે નહીં પરંતુ પરિવારના કોઈ સભ્ય માટે ટિકિટની માંગણી કરી હોવાની ચર્ચા છે. બીજી તરફ ભાજપમાં નો રીપીટ થીયરી, ૬૦ વર્ષથી વધુ ઉંમર, સતત ૩ ટર્મ ચૂંટણી લડેલા ઉમેદવારોને ટિકિટ ન આપવી તેવા નિયમોને લઈને કોકડું ગૂંચવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ભાજપ દ્વારા ટિકિટની ફાળવણીને લઈને પ્રદેશ કક્ષાએથી આપવામાં આવેલી સૂચના અનુસાર જાે ટિકિટની ફાળવણી કરવામાં આવશે તો જૂના જોગીઓની ટિકિટ ચોક્કસ કપાય તેવી શક્યતા છે અને નવા તેમજ યુવાન ચહેરાઓને તક આપવામાં આવે તેવી શક્યતા છે અને આવું થાય તો કદાચ ભાજપમાં આંતરિક અસંતોષ પણ બહાર આવે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે. ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને હાલ તો ભાજપ માટે પણ ર્નિણય લેવામાં મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.