Last Updated on by Sampurna Samachar
હેલ્મેટ ન પહેરવાથી ૫૪૫૬૮ બાઇક સવારોના મોત
સૌથી મોટી અસર રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકો પર પડે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં રોડ સુરક્ષાની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૨૩મા ૧.૭૨ લાખથી વધુ લોકોના મોત રોડ અકસ્માતમાં થયા છે. તેનો મતલબ છે કે દેશમાં એવરેજ દરરોજ ૪૭૪ લોકો અને દર કલાકે આશરે ૨૦ લોકો રોડ અકસ્માતનો શિકાર બની પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. આ આંકડા કોઈ મહામારીથી ઓછા નથી અને તે દર્શાવે છે કે આપણા રોડ હજુ કેટલા ખતરનાક છે.
રિપોર્ટ અનુસાર ઓવર-સ્પીડિંગ અને ખોટા દિશામાં ગાડી ચલાવવી દુર્ઘટનાના સૌથી મોટા કારણ બન્યા. આ સિવાય હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો પણ મોતનું કારણ છે. આંકડા દર્શાવે છે કે માત્ર હેલ્મેટ ન પહેરવાથી ૫૪૫૬૮ બાઇક સવારોના મોત થયા છે. એટલું જ નહીં સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવાથી પણ હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
દુર્ઘટનાની જવાબદારી માત્ર માનવીય ભૂલો પર ન નાખી શકાય
આ અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માર્ગ અકસ્માતોની સૌથી મોટી અસર રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકો પર પડે છે. ફક્ત ૨૦૨૩ માં જ ૩૫,૦૦૦ થી વધુ રાહદારીઓના મૃત્યુ થયા હતા, જે ૨૦૨૨ કરતા ઘણા વધારે છે.
આ દર્શાવે છે કે ભારતના રસ્તાઓ હજુ પણ રાહદારીઓ અને સાયકલ સવારો માટે સલામત નથી. રોડ સેફ્ટી નેટવર્ક અને કંઝ્યુમર વોઇસ જેવી સંસ્થાઓના નિષ્ણાંતોનું કહેવું છે કે દુર્ઘટનાની જવાબદારી માત્ર માનવીય ભૂલો પર ન નાખી શકાય.
હકીકતમાં સિસ્ટમેટિક ફેરફારોની જરૂર છે. તેમાં કાયદાનું કડક પાલન, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોનો કડકાઈથી અમલ અને શહેરો-ગામડામાં સુરક્ષિત રોડ માળખાનું નિર્માણ સામેલ હોવું જોઈએ. નિષ્ણાંતો તે પણ કહે છે કે રોડ સુરક્ષા હવે માત્ર ટ્રાન્સપોર્ટ ઈશ્યુ નહીં, પરંતુ પબ્લિક હેલ્થ ઈમરજન્સી માનવામાં આવે. ત્યારે આ સંકટ પર કાબૂ મેળવી શકાશે.
નોંધનીય છે કે ભારતે ૨૦૩૦ સુધી રોડ અકસ્માતમાં થનારા મોત અને ઈજાને અડધી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તે માટે એક રાષ્ટ્રીય રોડ સુરક્ષા મિશનની શરૂઆત કરવી ખૂબ જરૂરી છે. જ્યાં સુધી રાહદારીઓ, સાઇકલ ચાલકો અને ટૂ-વ્હીલર સવારોની સુરક્ષાને પ્રાથમિકતા ન આપવામાં આવે, ત્યાં સુધી સ્થિતિ સુધારવામાં મુશ્કેલી થશે.