Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઘટના પર ચિંતા વ્યક્ત કરી
ભાષણ રોકી દીધુ અને કાર્યકર્તાઓને પાણીની બોટલ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના કરૂરમાં અભિનેતાથી રાજનેતા બનેલા વિજયની રેલીમાં નાસભાગ થઈ હતી. કરૂર ભાગદોડમાં અત્યાર સુધી ૩૯ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી સ્ટાલિને હોસ્પિટલમાં દાખલ બધા લોકોને સારી સારવાર મળે તે માટે નિર્દેશ આપ્યો છે. આ વચ્ચે પોલીસે જણાવ્યું કે નાસભાગમાં ઈજાગ્રસ્ત ૯૫ લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા.

કરૂરના ડીએમકે ધારાસભ્ય સેંથિલ બાલાજીએ જણાવ્યું કે જિલ્લાના બધા ડોક્ટર ડ્યુટી પર છે અને બીજા જિલ્લામાંથી પણ મેડિકલ સ્ટાફ બોલાવવામાં આવ્યો છે. બાલાજીએ કહ્યુ કે નાસભાગમાં ઈજાગ્રસ્ત લોકોને ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલોને ઈજાગ્રસ્તો પાસે કોઈ પૈસા ન લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને તત્કાલ તપાસના આદેશ આપ્યા છે.
૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત
નાસભાગની ઘટના ત્યારે બની જ્યારે વિજય કરૂરમાં ભાષણ આવી રહ્યો હતો. ટીવીકે પ્રમુખે પોતાનું ભાષણ વચ્ચે રોકી દીધું અને કાર્યકર્તાઓને પાણીની બોટલ આપી. તેમણે ભીડમાંથી એમ્બ્યુલન્સ માટે રસ્તો બનાવવાનો આગ્રહ કર્યો. આ દરમિયાન રેલીમાં ૯ વર્ષની એક બાળકી લાપતા થઈ ગઈ, જેને શોધવા માટે વિજયે કાર્યકર્તાઓની મદદ માંગી હતી.

કરૂર નાસભાગની તપાસ કરવા અને સરકારને રિપોર્ટ સોંપવા માટે સેવાનિવૃત્ત ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ જસ્ટિસ અરૂણા જગદીસનની આગેવાનીમાં ન્યાયીક પંચની રચના કરવામાં આવી છે. તો તમિલનાડુ સરકારે મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.