Last Updated on by Sampurna Samachar
એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું
વિમાનમાં ૧૦ ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ લોકો સવાર હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ વિમાનમાં ૧૦ ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ લોકો સવાર હતા. મળતા રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટનામાં તમામ ૨૪૨ લોકોના મોત થયા છે. વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા, જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે, જે બધાના મોત થયા છે.
આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી. તેમણે કહ્યું કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી “કેટલાક સ્થાનિક લોકોના પણ મૃત્યુ થયા હશે. આ અકસ્માત પછી, અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મર્યાદિત ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.
ટાયર ઈન્સર્ટ ન થતા દુર્ઘટના સર્જાઇ હોવાના અહેવાલ
ઉપરાંત, પ્રારંભિક રાહત કામગીરી માટે સશસ્ત્ર દળો સાથે NDRF અને અન્ય એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સેનાના જણાવ્યા અનુસાર, લશ્કરી દળોની આ ટીમમાં તબીબી ટીમો અને અન્ય બચાવ કર્મચારીઓ તૈનાત હતા.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન AI -૧૭૧ ક્રેશ થયું, જેમાં ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ લોકો સવાર હતા. આ દુર્ઘટના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ડોક્ટર્સ હોસ્ટેલ પર થઈ હતી, જેના કારણે હોસ્ટેલને પણ ભારે નુકસાન થયું છે.
ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયાના કલાકો પછી વિમાનમથક શરૂ પર સેવાઓ ફરી થઈ ગઈ છે તેમ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક વહીવટીતંત્ર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વિમાનમથકે જણાવ્યું હતું કે એરપોર્ટ હવે મર્યાદિત ફ્લાઇટ્સ સાથે કાર્યરત છે. મુસાફરોને માહિતી માટે એરલાઇન્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ સમયે ક્રેશ થવા પાછળના પ્રાથમિક કારણો અને દુર્ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવી છે. ટેકઓફ થયા બાદ પ્લેનના ટાયર ઈન્સર્ટ ન થતા (અંદર ન જતા) આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાન સૌપ્રથમ એક એવી બિલ્ડિંગ સાથે અથડાયું હતું જ્યાં મેસ (ભોજનાલય) ચાલતી હતી.
મળતી માહિતી મુજબ, ટેકઓફ બાદ જ્યારે પ્લેનના ટાયર અંદર ન ગયા, ત્યારે વિમાન સૌપ્રથમ નજીક ચાલતી મેસની બિલ્ડિંગ સાથે અથડાયું. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનની ટેઈલના (પાછળના ભાગના) બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ આવેલી હતી.
આ અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ધરાશાયી થઇ. દુર્ઘટનામાં એક રાહતની વાત એ છે કે, જે બિલ્ડિંગને પ્લેન ટકરાયું તેની બરાબર બાજુમાં જ એક પાંચ માળનું બીજું બિલ્ડિંગ આવેલું છે, જેમાં PG હોસ્ટેલ ચાલે છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે. જો પ્લેન આ PG હોસ્ટેલને અથડાયું હોત, તો જાનમાલની અત્યંત મોટી અને ભયાવહ હાનિ થવાની આશંકા હતી.
મહત્વની વાત એ છે કે પ્લેન કોઈ બિલ્ડિંગમાં ઘૂસી ગયું ન હતું, પરંતુ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જો પ્લેન કોઈ બિલ્ડિંગ પર સીધું ક્રેશ થયું હોત કે તેમાં ઘૂસી ગયું હોત તો કદાચ તેનાથી પણ વધુ ભારે ખાનાખરાબી સર્જાઈ હોત. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, અને દુર્ઘટનાના સંપૂર્ણ કારણો જાણવા માટે તપાસ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઈન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે ૫૦થી વધુ લોકો રહેતા હતા.
આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.
દુર્ઘટનાને નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતા ૮ થી વધુ લોકો ચોથા માળેથી કૂદ્યા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ ૯ થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.