Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય નાણામંત્રી પંકજ ચૌધરીએ આંકડા જાહેર કર્યા
કેટલાક સક્ષમ હોવા છતાં લોન ચૂકવી રહ્યા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય બેન્કો પર લોનનું ભારણ વધી રહ્યું છે, જે સાથે જ લોન લેનારા એવા લોકોની સંખ્યા પણ વધી રહી છે કે જેઓ લોનની રકમ ચુકવવા સક્ષમ હોવા છતા નથી ચુકવી રહ્યા. સંસદમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરની બેન્કોમાંથી કરોડો રૂપિયાની લોન લઇને તેને ચુકવવાની ના પાડનારા વિલફુલ ડિફોલ્ટર એટલે કે આર્થીક રીતે સક્ષમ નાદારોની સંખ્યા ૧૬૦૦ થી પણ વધુ છે. આ લોકો બેન્કોના આશરે ૧.૬૨ લાખ કરોડ રૂપિયા દબાવીને બેઠા છે.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણામંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં ખુલાસો કર્યો હતો કે ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી PSU બેન્કોએ ૧૬૨૯ કોર્પોરેટ ડિફોલ્ટર્સની ઓળખ કરી છે કે જેઓ ઇરાદાપૂર્વક લોન નથી ચુકવી રહ્યા. આ તમામ વિલફુલ ડિફોલ્ટર્સ પર કુલ મળીને ૧૬૨૯૬૧ કરોડ રૂપિયાનું દેવુ છે, જે ચુકવવાની ના પાડી રહ્યા છે. બેન્કો દ્વારા સીઆરઆઇએલસીને જે રિપોર્ટ સોંપવામાં આવ્યો તેના આધારે આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
બેન્કોએ ૧૫,૨૯૮ રૂપિયા લેવાના બાકી
મંત્રીએ દાવો કર્યો હતો કે સરકાર હાલ આવા વિલફુલ ડિફોલ્ટર્સને લઇને કેટલાક પગલા લઇ રહી છે, જેમ કે આવા લોકોને નવુ સાહસ શરૂ કરવા માટે વધારાની લોન નથી અપાતી. ડિફોલ્ટર્સ સાથે જોડાયેલી કંપનીઓને કેપિટલ માર્કેટમાં પ્રવેશ નથી અપાતો.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના માસ્ટર ડાયરેક્શન મુજબ બેન્કોએ દર મહિને વિલફુલ ડિફોલ્ટર્સની યાદી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને સોંપવાની હોય છે. કરોડોની લોન લઇને ફરાર થઇ ગયેલા આશરે નવ જેટલા લોકોને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે, જેમની પાસેથી બેન્કોએ ૧૫,૨૯૮ રૂપિયા લેવાના બાકી છે.
વિલફુલ ડિફોલ્ટર્સ એવા લોકોને કહેવામાં આવે છે કે જેઓ તેમણે લીધેલી લોનની રકમ પરત કરવા માટે સક્ષમ તો હોય છે પરંતુ તેમ છતા નથી ચુકવતા અથવા બહાના બતાવ્યા રાખે છે. હાલ જે વિલફુલ ડિફોલ્ટર્સના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે માર્ચ ૨૦૨૫ સુધીના છે.
નોંધનીય છે કે ગયા વર્ષે માર્ચ ૨૦૨૪ સુધીના આંકડા RBI દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા જે મુજબ તે સમયે દેશમાં વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યા ૨૬૬૪ હતી અને તેમણે બેન્કોના આશરે ૧.૯૬ લાખ કરોડ રૂપિયા દબાવીને રાખ્યા હતા. આ વિલફુલ ડિફોલ્ટર્સ એવા લોકો છે કે જેમણે બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી, તેની મદદથી ખુબ મોટી રકમ બનાવી અને ધંધો જમાવ્યો, હવે પોતાની પાસે નાણા હોવા છતા તેઓ લોનની રકમ ચુકવવા નથી માંગતા.