Last Updated on by Sampurna Samachar
US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની અટકાયતમાં દંપતિ
૪૦ લાખ ડોલરનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મૂળના સિદ્ધાર્થ મુખરજી (સેમી) અને તેની પત્ની સુનિતાની કરોડો રૂપિયાના કૌભાંડ બદલ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ દંપત્તિ પર નકલી ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ મારફત ૧૦૦ થી વધુ લોકો પાસેથી ૪૦ લાખ ડોલર (અંદાજે રૂ. ૩૩ કરોડ) કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ દંપત્તિ હાલ યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની અટકાયતમાં છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં આટલા મોટા કૌભાંડ બદલ દંપત્તિ પર અમેરિકામાં ફર્સ્ટ ડિગ્રીની ચોરીનો આરોપ મૂકાયો છે.
આ કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે, તેઓ ટેક્સાસના પ્લાનોમાં ભારતીય-અમેરિકન સમુદાય વચ્ચે લક્ઝ્યુરિયસ લાઈફ સ્ટાઈલ માટે જાણીતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, મુખરજી દંપત્તિએ ઊંચુ રિટર્ન આપવાનું વચન આપી રોકાણકારોને રિયલ એસ્ટેટ ડીલમાં ફસાવ્યા હતાં. આ દંપત્તિ રિયલ એસ્ટેટ ડીલ્સ, નકલી ડોક્યુમેન્ટ્સ, અને મહામારી રાહત ફંડનો દુરૂપયોગ કરવા સહિતના ગુનામાં સંડોવાયેલું હોવાનો આરોપ છે.
સિદ્ધાર્થ મુખરજી અને તેની પત્ની સુનિતાએ ફેક રિમોડલિંગ કોન્ટ્રાક્ટ અને ડલાસ હાઉસિંગ ઓથોરિટીની નકલી રિસિપ્ટ બતાવી લોકોને વિશ્વાસમાં લીધા હતાં. રોકાણકારો પાસેથી એક નકલી ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ હોવાનું કહી મોટી રકમ પડાવી હતી. જ્યારે ડિવિડન્ડ ચેક બાઉન્સ થયા ત્યારે તેમના આ કૌભાંડની જાણ થઈ. આ છેતરપિંડી વાળી યોજના ૨૦૨૪માં પ્રકાશમાં આવી હતી. ત્યારે દંપત્તિએ ૩.૨૫ લાખ ડોલરની ખોટનો દાવો કર્યો હતો.
યુલિસ પોલીસના કર્મી બ્રાયન બ્રેનને તેની તપાસ શરૂ કરી હતી. બાદમાં એફબીઆઈ પણ તેમની સાથે જોડાઈ હતી. બ્રેનને જણાવ્યું હતું કે, ૨૩ વર્ષના અનુભવમાં આ પ્રકારનું કૌભાંડ ક્યારેય જોયુ નથી. ડલાસ હાઉસિંગ ઓથોરિટીના રિસિપ્ટ પરથી ખાતરી થઈ છે કે, પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાલ્પનિક હતો. છેતરપિંડીનો ખુલાસો થતાં અનેક પીડિતો સામે આવ્યા હતા. તેમણે દંપત્તિના આકર્ષક અને વિશ્વસનીય વ્યક્તિત્વ વિશે જણાવ્યું હતું.
અત્યારસુધી માત્ર ૨૦ પીડિતોના નામ સત્તાવાર ધોરણે નોંધાયા છે. પરંતુ તપાસ એજન્સીનું માનવુ છે કે, પીડિતોની સંખ્યા ૧૦૦ થી વધી શકે છે. આગામી દિવસોમાં ભોગ બનેલા અન્ય લોકો પણ સામે આવી શકે છે. તેમજ આ કેસમાં અન્ય નવા ખુલાસા પણ થવાની શક્યતા છે.