SIT એ વેપારીઓના ફસાયેલા ૧૯ કરોડ કઢાવ્યાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગકારોને કેવી સુરક્ષા પૂરી પાડવામાં આવે છે અને તેમના ફસાયેલા નાણા પરત લાવવા માટે પોલીસ કેવી જહેમત ઉઠાવે છે તેનું ઉદાહરણ મોરબી પોલીસે રજૂ કર્યુ છે. મોરબી પોલીસે ૨૦૨૩-૨૪ના વર્ષમાં મોરબી સીરામિક તથા અન્ય ઉદ્યોગોના વેપારીઓના ફસાયેલા રૂ. ૧૯ કરોડથી વધુ રકમ પરત કરવાની ઉદાહરણરૂપ કામગીરી કરી છે. હજી પણ આ કામગીરી જારી જ છે.
વેપારીઓને તાત્કાલીક પોલિસ મદદ મળી રહે અને વેપારીઓના રૂપિયા પરત મળતા થાય તેમજ તેમની ફરિયાદ અને રજુઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ વડાના સ્થાને SIT ની રચના તા.૧૯મી મે-૨૦૨૩ના રોજ કરી હતી.
SIT ની રચના બાદ વેપારીઓ-ઉદ્યોગપતિઓના ફસાયેલા નાણા બાબતે અલગ અલગ રાજ્યના કુલ ૪૦૮ એકમો વિરુધ્ધ ૧૦૩ અરજીઓ SIT ને મળી હતી, તેને લઈને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી અને સિરામિક ઉદ્યોગ સહિતના ઉદ્યોગોના વિવિધ નાણાકીય વ્યવહારોમાં ફસાયેલા રૂ.૧૯ કરોડથી વધુ નાણા પરત કરાવી SIT એ વેપારીઓનો વિશ્વાસ જીત્યો છે. જીૈં્ની રચનાથી વેપારીઓને મળેલી સલામતીને પરિણામે મોરબીના વિવિધ ઉદ્યોગ એસોસિયેશનના પ્રતિનિધિશ્રીઓ તેમજ વેપારીઓ દ્વારા સૌ વેપારીઓ-ઉદ્યોગપતિઓ વતી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજકોટ રેન્જ ડી.આઇ.જી તેમજ મોરબી એસ.પીનું અભિવાદન-સન્માન કરવામાં આવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વેપારીઓને વિશ્વાસ અપાવતા જણાવ્યું હતું કે હજુ જે વેપારીઓના પૈસા ફસાયેલા છે અને અરજીઓ SIT પાસે પડતર છે, તેના નિરાકરણ માટે આગામી સમયમાં એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવવામાં આવશે. એક્સ્ટ્રા ફોર્સ સાથે ટીમોને અલગ-અલગ રાજ્યોમાં તપાસ માટે મોકલી વેપારીઓના ફસાયેલા નાણાં પરત કરાવવામાં આવશે. SIT ની ટીમ કેરલ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં આ તપાસ માટે પહોંચી ચુકી છે, જેને પરિણામે હવે ચીટર ટોળકીઓમાં ડરની ભાવના છે અને ગુજરાતના વેપારીઓના ફસાયેલા રૂપિયા પરત આવવા લાગ્યા છે.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજી દેઘરીયા, પ્રકાશભાઈ વરમોરા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, રાજકોટ રેન્જ ડીઆઈજી અશોક કુમાર, મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તેમજ વિવિધ ઉદ્યોગ એસોસિયેશનના પ્રતિનિધિશ્રીઓ તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.