Last Updated on by Sampurna Samachar
આંધ્ર પ્રદેશના તિરુમાલા તિરુપતિ મંદિરમાં નવી પહેલ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કરી સમીક્ષા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંધ્ર પ્રદેશના તિરુમાલા તિરુપતિ મંદિરે સ્વચ્છતા જાળવવા અને કચરો ઘટાડવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ ડિજિટલ ડિપોઝિટ રિફંડ સ્કીમ હેઠળ શરૂ થઈ છે. મંદિરમાં AI થી સજ્જ સ્માર્ટ મશીનો લગાવવામાં આવી છે, જે ખાલી ટેટ્રા પેક અને એલ્યુમિનિયમ કેન નાખવા પર તુરંત UPI દ્વારા રિફંડ આપે છે. આથી મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખશે.
આ પ્રોજેક્ટ હૈદરાબાદની એક કંપનીએ તૈયાર કર્યો છે અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તેની સમીક્ષા કરી છે. ચાલો, જાણીએ કે આ મશીનો કેવી રીતે કામ કરે છે અને તેમાંથી રિફંડ કેવી રીતે મળે છે?
આ પહેલથી સ્થાનિક સફાઈ કર્મચારીઓને ફાયદો
ડેકન હેરાલ્ડના રિપોર્ટ અનુસાર, તિરુમાલામાં વેચાતા ટેટ્રા પેક અને એલ્યુમિનિયમ કેન પર એક ખાસ ઊઇ કોડ છપાયેલો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રોડક્ટ્સ ખરીદે છે, ત્યારે તેની થોડી કિંમત એક ખાસ એકાઉન્ટમાં જમા થાય છે. ઉપયોગ કરાયા પછી જ્યારે ખાલી ડબ્બા કે પેકને AI મશીનમાં નાખવામાં આવે છે, ત્યારે જમા થયેલી રકમ તુરંત UPI દ્વારા પરત મળે છે.
આ સિસ્ટમ મંદિર પરિસરને સાફ રાખે છે, સાથે જ કચરો લેન્ડફિલમાં જતો પણ અટકાવે છે. આ AI મશીન તાત્કાલિક કામ કરે છે. આનાથી કચરાને રિસાયકલ કરવો સરળ બને છે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય છે.
આ સ્માર્ટ મશીનો ભારતમાં જ બનાવવામાં આવી છે અને તેમાં ૫૦%થી વધુ સ્થાનિક સામગ્રીનો ઉપયોગ થયો છે. આ મશીનો ગરમી, ભેજ અને ધૂળ સહન કરી શકે છે, એટલે કે દરેક ઋતુમાં કામ કરી શકે છે. મશીનોમાં AI અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ ટેક્નોલોજી છે, જે કચરાનો રંગ, આકાર, બ્રાન્ડ અને ગંદકીનું પ્રમાણ જેવી માહિતી એકઠી કરે છે. આથી વેસ્ટ મેનેજમેન્ટમાં પારદર્શિતા (ટ્રાન્સપેરેન્સી) વધે છે. આ પહેલથી સ્થાનિક સફાઈ કર્મચારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે. તેઓ એકઠો કરેલો કચરો આ મશીનોમાં નાખીને તુરંત રિફંડ મેળવી શકે છે. આથી તેમની આવક વધે છે અને નવી રોજગારીની તકો પણ ઊભી થાય છે.