Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાન સુપર લીગ: દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાશે મેચો
ખાડી યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલ જેવા મહત્ત્વના સંસાધનો બચાવવા માટે આ વખતે ટૂર્નામેન્ટ માત્ર બે જ વેન્યુ પર રમાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન સુપર લીગની શરૂઆત આગામી ૨૬ માર્ચ ૨૦૨૬થી થવા જઈ રહી છે, પરંતુ ખાડી યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલ જેવા મહત્ત્વના સંસાધનો બચાવવા માટે આ વખતે ટૂર્નામેન્ટ માત્ર બે જ વેન્યુ પર રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ રવિવારે માહિતી આપી હતી કે, આ સંજોગોમાં પ્રેક્ષકો માટે સ્ટેડિયમમાં પ્રવેશ નહીં આપવામાં આવે, એટલે કે તમામ મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે.

આ ર્નિણય આઠ ફ્રેન્ચાઈઝી માલિકો સાથેની લાંબી બેઠક અને વડાપ્રધાન શહબાઝ શરીફ સાથેની પરામર્શ બાદ લેવામાં આવ્યો છે. ખાડી યુદ્ધ અને દેશમાં સર્જાયેલી ઈંધણની તંગીને ધ્યાનમાં રાખીને આ કપરો ર્નિણય લેવામાં આવ્યો છે. PCB અધ્યક્ષ મોહસિન નકવીએ જણાવ્યું હતું કે, જ્યારે અમે લોકોને તેમની અવરજવર મર્યાદિત રાખવા કહી રહ્યા હોઈએ, ત્યારે દરરોજ ૩૦,૦૦૦ લોકોને સ્ટેડિયમમાં બોલાવવા યોગ્ય નથી. આ એક મુશ્કેલ ર્નિણય હતો, પરંતુ દેશની વર્તમાન સ્થિતિને જોતા તે અનિવાર્ય હતો.
તમામ ફ્રેન્ચાઈઝીને નાણાકીય વળતર આપવાની જાહેરાત
લાહોરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નકવીએ જણાવ્યું હતું કે, પીએસએલની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે તેને નિર્ધારિત કાર્યક્રમ મુજબ ૨૬ માર્ચથી જ શરૂ થશે, કારણ કે વર્ષના બાકીના સમયમાં અન્ય કોઈ વિન્ડો ઉપલબ્ધ નથી. હું પેશાવરના તે ફેન્સની માફી માંગું છું, જેમને પહેલીવાર પોતાના શહેરમાં પીએસએલ મેચ જોવાનો મોકો મળવાનો હતો, મને આશા છે કે, આગામી વખત તેમને વધુ મેચ જોવાનો મોકો મળશે.
પ્રેક્ષકોની ગેરહાજરીને કારણે ટિકિટ વેચાણથી થતા ગેટ મનીના નુકસાનની ભરપાઈ કરવા માટે તમામ ફ્રેન્ચાઈઝીને નાણાકીય વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
ટૂંક સમયમાં પીએસએલનું નવું અને સુધારેલું શિડ્યુલ જાહેર કરવામાં આવશે. ઈંધણના પુરવઠા પર સરકારના કડક નિયંત્રણોને કારણે પેશાવર, મુલતાન, રાવલપિંડી અને ફૈસલાબાદ જેવા શહેરોને યજમાનની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જેથી મુસાફરી અને અન્ય સંસાધનોમાં ઈંધણનો વપરાશ ઘટાડી શકાય.
હવે તમામ મેચો માત્ર લાહોર અને કરાચીમાં જ યોજાશે. આ ઉપરાંત, ખર્ચ ઘટાડવા માટે ભવ્ય ઉદઘાટન સમારોહ પણ રદ કરવામાં આવ્યો છે. મોટાભાગના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સોમવાર સવાર સુધીમાં પાકિસ્તાન પહોંચે તેવી શક્યતા છે, જો કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને કારણે મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ટેલીકોમ એશિયા સ્પોર્ટ્સના ગત રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે વિદેશી ખેલાડીઓ, વિશેષ કરીને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ખાડી ક્ષેત્રથી થઈને પાકિસ્તાન પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હવે નકવીએ તેના પર એક અલગ દ્રષ્ટિકોણ રજૂ કર્યો.
બીજી તરફ, ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝરબાની અને શ્રીલંકાના દાસુન શનાકા જેવા ખેલાડીઓએ પીએસએલને બદલે આઈપીએલમાં જોડાવાનો ર્નિણય લેતા મોહસિન નકવીએ કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે વિદેશી ખેલાડીઓ કરાર કર્યા પછી રમવા નહીં આવે અથવા આઈપીએલની વધુ આકર્ષક ઓફર માટે પીએસએલ અધવચ્ચે છોડી દેશે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.