Last Updated on by Sampurna Samachar
દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે
સંઘ પ્રમુખ મોહન ભાગવતે RSSના મુખ્ય શહેર નાગપુરમાં હિન્દૂ પરિષદની ઓફિસનો શિલાન્યાસ કર્યો હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ભારે સંકટ ઉભું થયું છે, ત્યારે આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિશ્વભરને મહત્ત્વનો સંદેશ આપ્યો છે. ભાગવતે કહ્યું છે કે, સ્વાર્થી હિત ધરાવનારા લોકો અને વર્ચસ્વ જમાવવાની ઈચ્છા રાખનારાઓના કારણે જ વિશ્વમાં સંઘર્ષ થઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, માત્ર એકતા, અનુશાસન અને અને ધર્મના પાલનથી જ કાયમી શાંતિ સ્થાપી શકાય છે.

સંઘ પ્રમુખ ભાગવતે RSS ના મુખ્ય શહેર નાગપુરમાં હિન્દૂ પરિષદની ઓફિસનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, વિશ્વમાં સંઘર્ષ ટાળવા માટે છેલ્લા ૨૦૦૦ વર્ષથી અનેક વિચારો પર પ્રયોગ કરવામાં આવ્યો, પરંતુ તેમાં ઓછી સફળતા મળી છે.
વિશ્વના દેશોને ભારતની નીતિ અને પ્રવૃત્તિનું જ્ઞાન છે
મોહન ભાગવતે અત્યંત ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘આજના આધુનિક યુગમાં ધાર્મિક અસહિષ્ણુતા એટલે કે બીજાના ભિન્ન વિચારો, માન્યતાઓ કે રીત-રિવાજો પ્રત્યે આદર ન રાખવો, બળજબરીથી ધર્મ પરિવર્તન અને ઊંચ-નીચની ભાવનાઓ આજે પણ જોવા મળી રહી છે.વર્તમાન સમયમાં વિશ્વ ડગમગી રહ્યું છે. આપણે હાલ આ તમામ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. યુદ્ધ થવા પાછળનું મુખ્ય કારણ સ્વાર્થ અને વર્ચસ્વની લડાઈ છે. યુદ્ધ શરૂ થવાના મૂળમાં સ્વાર્થી ભાવના છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ભારત માનવતામાં વિશ્વાસ રાખે છે, જ્યારે અન્ય લોકો અસ્તિત્વ માટે સંઘર્ષ કરવામાં વિશ્વાસ રાખે છે. વિશ્વમાં સદભાવનાની જરૂર છે, સંઘર્ષની નહીં. દુનિયા વિનાશને આરે આવી ગઈ છે. યુદ્ધ વચ્ચે અનેક દેશો અવાજ ઉઠાવી રહ્યા છે કે, ભારત જ યુદ્ધને સમાપ્ત કરી શકે છે, કારણ કે વિશ્વના દેશોને ભારતની નીતિ અને પ્રવૃત્તિનું જ્ઞાન છે.
તેમણે એમ પણ કહ્યું કે, ‘ભારતની પ્રાચીન સંસ્કૃતિ શિખવાડે છે કે, તમામ એકબીજા સાથે જાેડાયેલા છે અને એક છે. આધુનિક વિજ્ઞાન પણ ધીમે ધીમે આ સમજ તરફ આગળ વધી રહ્યું છે. ધર્મ માત્ર શાસ્ત્રો સુધી સીમિત ન રહેવું જોઈએ, પરંતુ લોકોના વ્યવહારમાં પણ તેની ઝલક હોવી જોઈએ.