Last Updated on by Sampurna Samachar
૯૦ લાખ ભારતીયો પર તોળાઈ રહ્યું છે સંકટ
પીએમ મોદીએ કહ્યું કે ભારત આ વધતા તણાવ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ખુબ ચિંતિત છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મીડિલ ઈસ્ટ હાલ ભડકે બળ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલે કરેલા હુમલાઓ બાદ ઈરાન આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું છે કારણ કે તેના સુપ્રીમ લીડર ખામેનેઈ સહિત ૪૦થી વધુ ધૂરંધર નેતાઓના મોત થયા છે. ઈરાને ઈઝરાયેલ ઉપરાંત અમેરિકાના સાથી એવા ૭થી વધુ દેશો પર હુમલા કર્યા છે. અત્રે જણાવવાનું કે ખાડી દેશોમાં ભારતીયોની સંખ્યા પણ ખુબ વધુ છે.

આશરે ૯૦ લાખથી વધુ ભારતીયો ખાડી દેશોમાં કામ કરે છે. ત્યારે આ ભારતીયોની સુરક્ષા પણ ખતરામાં પડી છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી અને કહ્યું કે ભારત આ વધતા તણાવ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ખુબ ચિંતિત છે.
અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ સ્થિતિ ખુબ બગડી
પીએમ મોદીની આ પહેલ સુરક્ષા મામલાઓની કેબિનેટ સમિતિની બેઠક બાદ સામે આવી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, અને એનએસએ અજીત ડોભાલ જેવા દિગ્ગજ હાજર હતા. ભારતની સૌથી મોટી ચિંતા ખાડી દેશોમાં રહેતા ૯૦ લાખથી વધુ ભારતીયોની સુરક્ષા અને હોર્મૂઝ જલરસ્તો છે. કારણ કે ત્યાંથી થઈને ક્રૂડ ઓઈલ ભારત આવે છે.
મળતી માહિતી મુજબ પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં વધતા તણાવને લઈને બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી. તેમણે સ્થિત પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે નાગરિકોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા હોવી જાેઈએ. તેમણે સમગ્ર મિડલ ઈસ્ટમાં જલદી હિંસા થોભે તેના પર ભાર મૂક્યો. અત્રે જણાવવાનું કે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ સ્થિતિ ખુબ બગડી છે.
મળતી માહિતી મુજબ ઈરાનમાં લગભગ ૧૦ હજાર ભારતીયો રહે છે. ઈઝરાયેલમાં ૪૦ હજારથી વધુ ભારતીયો છે. જ્યારે સમગ્ર પશ્ચિમ એશિયા અને ખાડી દેશોમાં લગભગ ૯૦ લાખ જેટલા ભારતીયો કામ કરે છે. સ્થિતિ બગડે તો તેમને સુરક્ષિત લિફ્ટ ક રવાની પણ યોજના પર વિચાર કરાયો છે. વિસ્તારમાં અનેક જગ્યાએ હવાઈ સેવાઓ પ્રભાવિત છે. દોહા જેવા મોટા શહેરોમાં અનેક ભારતીયો ફસાયા છે. યુએઈમાં પણ ભારતીયો ફસાયા હોવાનું સામે આવ્યું છે.
પીએમ મોદીએ રવિવારે રાતે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે પણ વાત કરી અને ખાડી દેશો પર થયેલા હુમલાની ટીકા કરી. પીએમ મોદીએ કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં યુએઈ સાથે પૂરેપૂરી એકજૂથતા સાથે ઊભું છે. પીએમ મોદીએ ખાડી દેશમાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુએઈના રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારત તણાવ ઘટાડવાનો, ક્ષેત્રીય સુરક્ષા શાંતિ અને સુરક્ષા તથા સ્થિરતાનું સમર્થન કરે છે.
અત્રે જણાવવાનું કે અધિકારીઓએ રવિવારે પુષ્ટિ કરી કે છેલ્લા બે દિવસમાં સંયુક્ત આરબ અમીરાતમાં થયેલા ઈરાની હુમલાઓમાં ૩ લોકોના મોત થયા છે અને એક ભારતીય સહિત ૫૮ લોકો ઘાયલ થયા છે.