Last Updated on by Sampurna Samachar
કાચા શણના MSP માં લગભગ ૬% વધારો કરવાનો ર્નિણય લેવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોદી સરકારે સૌપ્રથમ સરકારી કર્મચારીઓને આઠમાં પગાર પંચની ભેટ આપી હતી. હવે સરકારે ખેડૂતોને ભેટ આપી છે. ત્યારે સરકારી કર્મચારીઓ બાદ ખેડૂતોને પણ રાહત થશે. મોદી કેબિનેટે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, PM મોદીના નેતૃત્વમાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં ખેડૂતો અંગે એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો હતો. સરકારે કાચા શણના MSP માં લગભગ ૬% વધારો કરવાનો ર્નિણય લીધો છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કેબિનેટ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ‘વર્ષ ૨૦૨૫-૨૬ માટે કાચા શણના MSP માં લગભગ ૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ કિંમત કરતાં ૬૭ ટકા વધુ છે. ગયા વર્ષ કરતાં આ ૩૧૫ રૂપિયા વધુ છે. ૨૦૨૫ થી ૨૦૨૬ ના સત્ર માટે કાચા શણનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ૫૬૫૦ રૂપિયા રહેશે. તેમણે કહ્યું કે, મોદી સરકારે શણના વપરાશ માટે આ મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. આનાથી ખેડૂતોને ફાયદો થશે.
મોદી કેબિનેટના અન્ય ર્નિણયો
આ બેઠકમાં ૨૦૨૫-૨૬ સીઝન માટે (કાચા શણ) ના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય આરોગ્ય મિશનને ૨૦૨૫ અને ૨૦૨૬ સુધી લંબાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
દેશભરમાં આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્રો ખુલી ગયા છે. ૧ લાખ ૭૨ હજાર કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં ૪.૫ લાખ લોકોએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસનો લાભ લીધો છે.
ગયા અઠવાડિયે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના ભથ્થામાં સુધારો કરવા માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. આ પગલાથી લગભગ ૫૦ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ ૬૫ લાખ પેન્શનરોને ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે, સાતમા પગાર પંચની રચના ૨૦૧૪ માં કરવામાં આવી હતી. તેની ભલામણો ૧ જાન્યુઆરી, ૨૦૧૬ થી લાગુ કરવામાં આવી હતી. તેનો કાર્યકાળ ૨૦૨૬ માં સમાપ્ત થઈ રહ્યો છે. MSP એટલે ન્યૂનતમ સપોર્ટ પ્રાઈસ અથવા ન્યૂનતમ સમર્થન ભાવ. MSP એ દર છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. આ ખેડૂતોના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછું દોઢ ગણું વધારે છે. કેન્દ્ર સરકાર પાક માટે લઘુત્તમ ભાવ (પાક દર) નક્કી કરે છે.