Last Updated on by Sampurna Samachar
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૨,૦૬૦ કરોડ રૂપિયાની સબસિડી મંજૂર
આસામ અને ત્રિપુરાના ઉત્તરપૂર્વીય રાજ્યો પર ધ્યાન દોરાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોદી સરકારની કેબિનેટમાં મહત્વના પાંચ નિર્ણયો લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે ૫૨,૬૬૭ કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી, જે અંતર્ગત શિક્ષણ, LPG , માળખાગત સુવિધાઓ અને પૂર્વોત્તર રાજ્યોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને મજબૂત બનાવવા માટે ૪,૨૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમણે કહ્યું કે મંત્રીમંડળે ૨૦૨૫-૨૬ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૨,૦૬૦ કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપી છે.
ગ્રાહકો પર ભાવનો બોજ ન પડે તે માટે તેને સ્થિર રાખ્યા
કેન્દ્રીય મંત્રીમંડળે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની LPG સબસિડીને મંજૂરી આપી છે. આનાથી LPG ના ભાવમાં વધારો થશે નહીં. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આસામ અને ત્રિપુરાના ઉત્તરપૂર્વીય રાજ્યો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બે રાજ્યો માટે ૪૨૫૦ કરોડ રૂપિયાના વિશેષ વિકાસ પેકેજને મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને વૈશ્વિક સ્તરે સમાવેશી વિકાસ માટે માન્યતા આપવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે. અત્યાર સુધીમાં ૧૦.૩૩ કરોડ ઉજ્જવલા જોડાણો આપવામાં આવ્યા છે. કેબિનેટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પીએમ ઉજ્જવલા લાભાર્થીઓ માટે રૂ. ૧૨,૦૬૦ કરોડની સહાયને મંજૂરી આપી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. ૩૦,૦૦૦ કરોડની સબસિડીને મંજૂરી આપી છે જેથી મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે LPG ગેસ મળી શકે. વર્તમાન વૈશ્વિક રાજકારણને કારણે ગેસના ભાવમાં વધઘટ થાય છે અને આને ધ્યાનમાં રાખીને સબસિડી આપવામાં આવે છે.”
વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન, આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજી ના ભાવ ઊંચા રહ્યા પરંતુ સરકારે ગ્રાહકો પર ભાવનો બોજ ન પડે તે માટે તેને સ્થિર રાખ્યા. આના કારણે IOCL, BPCL અને HPCL ને ભારે નાણાકીય નુકસાન થયું. તેમ છતાં આ કંપનીઓએ દેશભરમાં કોઈ પણ વિક્ષેપ વિના સ્થાનિક એલપીજી સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું.