Last Updated on by Sampurna Samachar
૨૦૨૯ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પ માટે નારી શક્તિનો પૂર્ણ સહયોગ અને નેતૃત્વ અનિવાર્ય.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટું પગલું ભર્યું છે. પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોના નેતાઓને પત્ર લખીને નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારાને સમર્થન આપવા અને તેને વહેલી તકે લાગુ કરવા માટે એક થવા વિનંતી કરી છે. વડાપ્રધાને પત્રમાં જણાવ્યું છે કે, ૧૬ એપ્રિલથી સંસદમાં આ અધિનિયમ પર ચર્ચા શરૂ થશે.

પીએમ મોદીએ આ બેઠકને લોકશાહીને મજબૂત કરવાની તક ગણાવી છે. તેમણે કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પ માટે નારી શક્તિનો પૂર્ણ સહયોગ અને નેતૃત્વ અનિવાર્ય છે. અવકાશથી લઈને રમતગમત સુધી દીકરીઓ પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે, હવે રાજનીતિમાં પણ તેમને યોગ્ય સ્થાન મળવું જોઈએ.
વાસ્તવિકતામાં બદલવાનો આ જ યોગ્ય સમય
પીએમ મોદીના પત્રની સૌથી મહત્વની વાત એ છે કે, સરકારે હવે આ અનામતને ૨૦૨૯ની લોકસભા અને તમામ વિધાનસભા ચૂંટણીઓથી જ સંપૂર્ણ રીતે લાગુ કરવાનો ર્નિણય લીધો છે. બંધારણીય નિષ્ણાતો અને વિવિધ પક્ષો સાથેના પરામર્શ બાદ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. ૨૦૨૯ થી મહિલા અનામત લાગુ થવાથી લોકશાહી સંસ્થાઓમાં નવી ઊર્જાનો સંચાર થશે અને જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.
વડાપ્રધાને પક્ષોને અપીલ કરી છે કે, આ મુદ્દો કોઈ એક પક્ષ કે વ્યક્તિનો નથી, પરંતુ દેશની ૧૪૦ કરોડ જનતા અને આવનારી પેઢીઓ માટેની જવાબદારી છે. તેમણે લખ્યું છે કે, વર્ષ ૨૦૨૩ માં જ્યારે આ ખરડો સંસદમાં પસાર થયો હતો, ત્યારે આખી દુનિયાએ ભારતની સામૂહિક ઈચ્છાશક્તિ જોઈ હતી. હવે તેને વાસ્તવિકતામાં બદલવાનો આ જ યોગ્ય સમય છે.
પીએમ મોદીએ આ પગલાને મહિલાઓ પ્રત્યેના વચનને પૂરું કરવાની દિશામાં મહત્વનું ગણાવ્યું હતું. જે સાંસદો આ ઐતિહાસિક કાર્યમાં યોગદાન આપશે, તેઓ હંમેશા સંસદની ગરમી બાબતે હંમેશા ગર્વ અનુભવશે. તમામ દળોને એક સૂરમાં સુધારો પસાર કરવા અને વધુમાં વધુ સાંસદોને આ ચર્ચામાં ભાગ લેવા વિનંતી કરી હતી.
વડાપ્રધાન મોદીનો આ પત્ર સ્પષ્ટ સંકેત આપે છે કે, ૨૦૨૯ની ચૂંટણીઓ પહેલા ભારતની સંસદ અને વિધાનસભાનું ચિત્ર બદલાઈ જશે, જેમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ નિર્ણાયક ભૂમિકામાં હશે.