Last Updated on by Sampurna Samachar
એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન ઉપર પણ કબજો કરી લેવાતા ખેડૂતો નારાજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોડાસાના ડોક્ટરકંપામાં મહેન્દ્રા સસ્ટેન કંપની દ્વારા ૪૦૦ વીઘામાં સોલાર પ્લાન્ટ બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ સોલાર પ્લાન્ટને લઈને આસપાસના ગામડાઓના ખેડૂતો અને રહીશોની મુશ્કેલીઓ વધી ગઈ હોવાના કારણે ૧૦૦ જેટલા ગ્રામજનોએ ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટ આગળ વિરોધ કર્યો હતો.
ખેડૂતોએ ગંભીર આરોપ લગાવ્યો છે કે, એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન ઉપર પણ કબજો કરી લેવાયો છે. આ સોલાર પ્લાન્ટના કારણે કરારમાં સામેલ ન હોય તેવા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, કંપનીએ ૭૦ વીઘાથી વધારે જમીનનો અને સ્મશાનમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. ખેડૂતોએ જણાવ્યું હતુ કે, અમારા ત્યાં મહેન્દ્ર સોલાર કંપની આવેલી છે, તે એનએ ઓર્ડર વગર અને રિસર્વે કર્યા વગર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. આ બાબતે અમે ક્લેક્ટર અને મામલતદારને પણ આવેદનપત્ર આપી ચૂક્યા છીએ, પરંતુ સરકારી અધિકારીઓ તરફથી અરજીનો કોઈ જ રિપ્લાય આપવામાં આવ્યો નહતો. ખેડૂતોએ ક્લેક્ટર અને મામલતદારને કહ્યું કે, તમે સ્થળ નિરીક્ષણ કરીને અમારી સમસ્યાનો નિકાલ લાવી આપો પરંતુ અધિકારીઓ નિરીક્ષણ કરવા પણ આવી રહ્યાં નથી.
ઉલ્લેખનીય છે કે, સરકારી તંત્ર દ્વારા કરેલા ભૂલ ભરેલા રિસર્વેના કારણે અનેક ખેડૂતોની જમીન અને ઘરબાર ઉપર સોલાર કંપની દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે. તો સરકારી તંત્રની ભૂલને આગળ ધરીને સોલારની કંપની દાદાગીરીપૂર્વક પોતાનું કામ ધમધોકાર આગળ ચલાવી રહી છે, બીજી તરફ ખેડૂતો લાચારીપૂર્વક પોતાની જમીન અને ઘર જતા જોઈ રહ્યાં છે.
ખેડૂતોનું કહેવું છે કે, કંપની દ્વારા રિસર્વેમાં ભૂલ મુજબ કરેલા એગ્રીમેન્ટોથી જમીનનો કબજો કરી ખેડૂતોને ઘર-જમીન વિહોણા કર્યા છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે, તેમના પોતાના ખેતરોમાં તેઓ જઈ શકી રહ્યાં નથી. કંપની દ્વારા ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડશોથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ તમામ મુશ્કેલીઓનું નિવારણ લાવવા માટે ડોક્ટરકંપા સહિત આસપાસના ૧૦૦થી વધારે ખેડૂતોએ કંપની સામે પોસ્ટર અને બેનરો લઈને ગાંધી માર્ગે શાંતિપૂર્વક પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.