Last Updated on by Sampurna Samachar
રીલ્સ અને વ્લોગ બનાવવાં પર સંપૂર્ણ રોક
ર્નિણયથી બિનજરૂરી વિવાદ દૂર થશે અને યાત્રા પર એકતાગ્રતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા દરમિયાન મંદિરોની પવિત્રતા અને ગરિમા જાળવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ધાર્મિક સ્થળોએ રીલ્સ અને વ્લોગ બનાવવાને લઈને વધી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને, આ વર્ષે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

વહીવટીતંત્ર માને છે કે આ ર્નિણયથી બિનજરૂરી વિવાદ તો દૂર થશે જ, પરંતુ ભક્તો સંપૂર્ણ ભક્તિ અને એકાગ્રતાથી યાત્રા કરી શકશે. ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં ચારધામ યાત્રા ટ્રાન્ઝિટ કેમ્પ ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગઢવાલના ઇન્સ્પેક્ટર જનરલ રાજીવ સ્વરૂપ, વિવિધ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા. યાત્રા વ્યવસ્થા અંગે અનેક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતા.
ભક્તોના મોબાઇલ ફોનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરશે
ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ સ્પષ્ટતા કરી હતી કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને રીલ્સ અને વ્લોગ બનાવવા અંગે અનેક વિવાદો ઉભા થયા છે, જે મંદિરોની ગરિમા સાથે ચેડા કરે છે. આને ધ્યાનમાં રાખીને, બદ્રીનાથમાં સિંહદ્વારની બહાર મોબાઇલ ફોન પર સખત પ્રતિબંધ રહેશે. ભક્તોને કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિર સંકુલમાં મોબાઇલ ફોન લઈ જવાની પણ મનાઈ રહેશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ અને સંબંધિત જિલ્લા વહીવટીતંત્રો મંદિરોમાં પ્રવેશતા પહેલા ભક્તોના મોબાઇલ ફોનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરશે.
વહીવટીતંત્રનો આ ર્નિણય સંદેશ આપે છે કે સરકાર ફક્ત વ્યવસ્થા સુધી મર્યાદિત નથી, પરંતુ પૂજા સ્થળોની પવિત્રતા અને ધાર્મિક શિસ્ત પ્રત્યે પણ ગંભીર છે. ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની આ પહેલને સંતુલિત માનવામાં આવે છે, જેમાં શ્રદ્ધા અને વ્યવસ્થા બંનેને ધ્યાનમાં લેવામાં આવે છે.
બેઠકમાં કમિશનર પાંડેએ જણાવ્યું હતું કે, ચારધામ યાત્રા વ્યવસ્થાપન માટે ભંડોળ ફેબ્રુઆરી સુધીમાં તમામ જિલ્લાઓને ફાળવવામાં આવશે. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને ત્રણ દિવસમાં સરકારને તાત્કાલિક કામોની યાદી સુપરત કરવા, એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા અને ઝડપી ધોરણે કામ શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.
રસ્તા, સંદેશાવ્યવહાર અને આરોગ્ય સેવાઓ અંગે પણ કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. NHAI, NHIDCL, PWD અને BRO ને ૩૧ માર્ચ સુધીમાં યાત્રા માર્ગો પરના રસ્તાઓનું સમારકામ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. BSNL ને યાત્રા માર્ગો અને યાત્રા સ્થળો પર સંદેશાવ્યવહાર સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગને ૧૫ દિવસની રોટેશનલ ફરજ બજાવતા ડોકટરોની વ્યવસ્થા કરવા, નિષ્ણાત ડોકટરો તૈનાત કરવા અને એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.