કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેશનલ હાઈવે પર એરફોર્સ નાળા નજીક દિવ્યાંગ જેવા દેખાતા વ્યક્તિએ હાથ ઊંચો કરી મદદ માગતા બાઈક સવાર ત્રણ મિત્રો ઊભા રહ્યા હતા. વિકલાંગ જેવા દેખાતા આરોપી અને તેના બે સાગરીતોએ યુવકોના મોબાઈલ ફોન લૂંટી લીધા હતા.મૂળ છોટાઉદેપુરના કાપડિયા ગામે રહેતો જયદીપસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ હાલમાં આજવા ચોકડી બાપાસીતારામ કેન્ટીનમાં રહે છે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ૩૦મી તારીખે કેન્ટીન ખાતે મારા ગામના છોકરાઓ નોકરી કરતા હોય હું પણ નોકરી કરવા માટે ગયો હતો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર કેન્ટીન બંધ કરી મારી બાઇક લઇ હું તથા મારા મિત્રો પીન્ટુ રાજપુત અને હરું નાયકા એપીએમસી માર્કેટમાં મારા કાકા દલપતસિંહ ચૌહાણને મળવા માટે નીકળ્યા હતા પીન્ટુભાઇ ચલાવતો હતો હરું નાયકા વચ્ચે બેઠો હતો અને હું છેલ્લે બેઠો હતો. આજવા ચોકડીથી અમદાવાદ તરફ જતા હાઇવે પર એરફોર્સના નાળા નીચેથી યુ ટર્ન લઈને પાંજરાપોળથી એપીએમસી તરફ અમે આવતા હતા. તે દરમિયાન એક વિકલાંગ જેવો દેખાતો વ્યક્તિ ઊભો હતો તેને હાથ ઊંચો કરીને મદદ માગતા પીન્ટુએ મોટરસાયકલ રાખી હતી દિવ્યાંગ જેવા દેખાતા વ્યક્તિએ મારી બાઈકની ચાવી કાઢી લીધી હતી.
પીન્ટુએ મોબાઈલ ફોનથી લાઈટ ચાલુ કરવાનો પ્રયત્ન કરતા તેના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો હતો. તે દરમિયાન બીજા બે આરોપીઓ આવી ગયા હતા જેથી પીન્ટુ તથા હરુ નાસી ગયા હતા. મારી બાઇક હોય હું ત્યાં ઉભો રહ્યો હતો ત્રણ આરોપીઓ પૈકી એકે મારા હાથમાંથી મોબાઇલ ફોન છીનવી લીધો હતો અને ભાગી ગયા હતા આરોપીઓ હિન્દી ભાષામાં વાત કરતા હતા.