Last Updated on by Sampurna Samachar
ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ
૧૫ દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનમાં ત્રણ ધારાસભ્યોનાં સ્ટિંગ ઓપરેશનમાં મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. ધારાસભ્યોને પોતાના મત વિસ્તારના વિકાસ કામ માટે ફાળવવામાં આવતા ફંડમાં ‘કમિશનખોરી’ કરી કૌભાંડ આચર્યું છે. આ મામલે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તાત્કાલીક સમિતિ રચી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સરકારે ત્રણેય ધારાસભ્યોના ‘ધારાસભ્ય વિકાસ ભંડોળ ખાતા’ અટકાવી દીધા છે. મુખ્યમંત્રીએ ચાર સભ્યોની સમિતિ રચી છે અને તેમને ૧૫ દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે.

સ્ટિંગ ઓપરેશનમાં ખીંવસરના ભાજપ ધારાસભ્ય રેવતરામ ડાંગા, હિંડોનના કોંગ્રેસ ધારાસભ્ય અનિતા જાટવ અને અપક્ષ ધારાસભ્ય ડૉ.રીતુ બનાવતના નામ સામે આવ્યા છે. આ ત્રણેય ધારાસભ્યોએ પોત-પોતાન મત વિસ્તારમાં ‘ધારાસભ્ય ભંડોળ’માંથી કામ અપાવવા માટે કમિશન માંગ્યું હતું. આ મામલો સામે આવતા જ સરકારે સંબંધિત મત વિસ્તારોના ફંડ પર તાળું મારી દીધું છે.
વર્ષે પાંચ કરોડ રૂપિયા ફંડ આપવામાં આવે છે
સ્ટિંગ ઓપરેશનમાં દાવા મુજબ, ધારાસભ્યોએ ૪૦ ટકા સુધીનું કમિશન માગ્યું હતું. એક વ્યક્તિ ડમી ફર્મનો પ્રોપરાઈટર બની ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને તે પોતે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ સાથે સંબંધ ધરાવતો હોવાનું કહ્યું હતું.
તેણે ‘ધારાસભ્ય ભંડોળ’ શાળામાં કારપેટ સપ્લાય કરવા માટે ધારાસભ્ય સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન ધારાસભ્યોએ તેના ખર્ચ અંગે પણ વાત ન કરી અને તેની જરૂરિયાત પર પણ વાત કરી ન હતી. ધારાસભ્યોની નજર માત્ર એક જ સવાલ પર ટકેલી હતી કે, ‘અમને કેટલું કમિશન મળશે?’
મળતા દાવા મુજબ, ભાજપ ધારાસભ્ય રેવંતરામ ડાંગાએ ૪૦ ટકા કમિશન આપવાના બદલે ૫૦ લાખ રૂપિયાનું કામ આપવાની વાત કહી છે. જ્યારે હિંડોનના કોંગ્રેસ ધારાસભ્ય અનિતા જાટવે ૫૦ હજાર રૂપિયા એડવાન્સ લઈને ૮૦ લાખ રૂપિયાનું કામ આપવા માટે ભલામણ પત્ર આપ્યો છે. જ્યારે બયાનાના અપક્ષ ધારાસભ્ય રીતુ બનાવતના પતિએ ૪૦ લાખ રૂપિયામાં ડીલ ફાઈનલ કરી હોવાનો દાવો કરાયો છે. ડાંગા અને અનિતાએ જિલ્લા પરિષદના સીઈઓના નામે ભલામણ પત્ર પણ આપી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં દરેક વિસ્તારમાં વિકાસો કામો અને જનકલ્યાણ માટે દરેક ધારાસભ્યોને ‘ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના’ હેઠળ વર્ષે પાંચ કરોડ રૂપિયા ફંડ આપવામાં આવે છે. ત્યારે આવા ધારાસભ્યો કામને સમજ્યા કે જોયા જાણ્યા વગર કમિશનર લઈને કામ આપી દેતા હોય છે.