Last Updated on by Sampurna Samachar
મેં ક્યારેય મંત્રી બનવા માટે પ્રાર્થના કે આજીજી કરી નથી
મંત્રી બન્યો ત્યારથી આવક ઓછી થઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ અભિનય ક્ષેત્રે પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ઇચ્છા તેમણે પોતાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી વ્યક્ત કરી છે. ત્રિશૂરના સાંસદ અને અભિનેતામાંથી રાજકારણી બનેલા ગોપીએ કન્નુરમાં એક કાર્યક્રમમાં બોલતા કહ્યું કે, મંત્રી પદ સંભાળ્યા પછી મારી આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હું અભિનય ચાલુ રાખવા માગુ છું. મારે વધુ આવકની જરૂર છે; મારી કમાણી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.
સુરેશ ગોપીએ કહ્યું કે, હું રાજ્યના સૌથી યુવા ભાજપ સભ્યો પૈકી એક છું અને મેં સૂચન કર્યું હતું કે, રાજ્યસભાના સાંસદ સી. સદાનંદન માસ્ટરને મારી જગ્યાએ કેન્દ્રીય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે. મેં ક્યારેય મંત્રી બનવા માટે પ્રાર્થના કે આજીજી કરી નથી.
ઘણા લોકો મારા નિવેદનોને તોડી-મરોડીને રજૂ કરવા ટેવાયેલા
ચૂંટણીના એક દિવસ પહેલાં પત્રકારોએ મને મંત્રી બનવા મુદ્દે સવાલ કર્યો હતો અને મેં જવાબ આપ્યો હતો કે, મારે મંત્રી નથી બનવું, હું મારી સિનેમાની કારકિર્દી ચાલુ રાખવા માગું છું. ઉલ્લેખનીય છે, સુરેશ ગોપી કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસના રાજ્યમંત્રી ઉપરાંત ટુરિઝમ મંત્રી તરીકે સેવા આપે છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રીએ કહ્યું, હું ઑક્ટોબર ૨૦૦૮માં પાર્ટીમાં જોડાયો હતો. હું કેરળમાંથી લોકો દ્વારા ચૂંટાયેલો પહેલો ભાજપ સાંસદ હતો અને પાર્ટીને લાગ્યું કે મને મંત્રી બનાવવો જોઈએ. આ વર્ષની શરુઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કન્નુરથી ભાજપના વરિષ્ઠ નેતા સદાનંદન માસ્ટરને રાજ્યસભામાં નોમિનેટ કર્યા હતા.
નોંધનીય છે કે, કન્નુર જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા સદાનંદન માસ્ટર રાજકીય હિંસાનો ભોગ બન્યા છે. ૧૯૯૪માં તેમણે સીપીઆઇ(એમ) કાર્યકરો દ્વારા કથિત હુમલામાં પોતાના બંને પગ ગુમાવ્યા હતા.
કન્નુરમાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સુરેશ ગોપીએ આરોપ મૂક્યો હતો કે, ઘણા લોકો મારા નિવેદનોને તોડી-મરોડીને રજૂ કરવા ટેવાયેલા છે. મારા મતવિસ્તાર ત્રિશૂરના લોકો માટે પ્રજા શબ્દનો ઉપયોગ કરવા બદલ મારી ટીકા થઈ હતી. તમે જ કહો કે પ્રજા શબ્દનો ઉપયોગ કરવામાં શું ખોટું છે?