Last Updated on by Sampurna Samachar
નવરાત્રીમાં ખાણીપીણીની લારીઓ માટે વિશેષ વ્યવસ્થા
ભક્તિને ખલેલ પહોંચાડે તેવા ગીતો વગાડવા પર પ્રતિબંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં નવરાત્રીના પર્વને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. આ વર્ષે નવરાત્રી ખેલૈયાઓ માટે ખાસ અને યાદગાર રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોડી રાત સુધી ગરબા રમી શકાય તે માટે પોલીસ સહયોગ આપશે. આ ઉપરાંત, નવરાત્રીમાં ખાણીપીણીની લારીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરાતાં અનેક લોકોને રોજગારીની તકો મળશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વખતે નવરાત્રી સ્વદેશી અપનાવો ના નારા સાથે ઉજવાશે. રાજ્યની સંસ્કૃતિ અને અંબાની આરાધના પર ભાર મૂકવામાં આવશે. ગરબાના આયોજનોમાં ભક્તિને ખલેલ પહોંચાડે તેવા ગીતો વગાડવા પર પ્રતિબંધ રહેશે અને તે ચલાવી લેવામાં આવશે નહીં.
તકલીફ પડે તો ૧૧૨ પર કોલ કરીને મદદ માંગી શકાય
મહિલાઓ અને માતા-પિતાની સુરક્ષા માટે પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે. હર્ષ સંઘવીએ તમામ બહેનોને અપીલ કરી છે કે, જો કોઈ પણ નાની તકલીફ પણ પડે તો ૧૧૨ પર કોલ કરીને મદદ માંગી શકાય છે. ગુજરાત પોલીસ હંમેશા તેમની સેવા માટે ઉપલબ્ધ છે. ગેરવાજબી લોકો કોઈ પણ રીતે ફાયદો ન ઉઠાવી શકે તે માટે પણ કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
નવરાત્રી બાદ દિવાળીના તહેવારને લઈને પણ સુરતવાસીઓ માટે સારા સમાચાર છે. “દાદાની સવારી, એસટી અમારી” આ સૂત્ર સાથે સુરતથી દિવાળી પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આગામી ૧૬ થી ૧૯ તારીખ દરમિયાન અંદાજે ૧૬૦૦ જેટલી બસો દોડશે. આ બસો સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ અને ગોધરા સહિતના અનેક જિલ્લાઓમાં જશે.
બસનું બુકિંગ ઓનલાઈન પણ કરી શકાશે. જો આખી બસ બુક કરવામાં આવે તો મુસાફરોને તેમના ઘર સુધી પહોંચાડવાની પણ સુવિધા આપવામાં આવશે. આ ર્નિણયથી દિવાળી દરમિયાન વતન જઈ રહેલા હજારો મુસાફરોને મોટી રાહત મળશે. સુરતના અલગ અલગ લોકેશનથી આ બસો ઉપડશે, જેથી લોકોને સુવિધા રહે. આ પહેલથી લોકોની સેવા કરવાનો રાજ્ય સરકારનો હેતુ સ્પષ્ટ થાય છે.