Last Updated on by Sampurna Samachar
હવે રાજ્યમાં કુલ તાલુકા વધીને ૨૬૫ થયા
નવા ૧૭ તાલુકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે ૧૭ નવા તાલુકાની રચના કરવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવાઈ છે. આ સાથે હવે રાજ્યમાં કુલ તાલુકા વધીને ૨૬૫ થઈ ગયા છે.
આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્ત્વપૂર્ણ ર્નિણય અંગે જણાવતા કહ્યું કે, સરકારે રાજ્યના શાસનમાં સરળતા રહે તે હેતુથી આ ર્નિણય લીધો છે. નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ કરવાના હેતુ સાથે આ નવા ૧૭ તાલુકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે.
વિધિવત જાહેરનામું ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરાશે
વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના ૬ તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા છ્ફ્ એટલે કે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની વિભાવના આપી હતી અને ૨૦૧૩માં નવા ૨૩ તાલુકાઓની તેમણે કરેલી રચના પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ૧૭ નવા તાલુકાની રચનાનો ર્નિણય લેવાયો હતો.
આ નવા ૧૭ તાલુકાઓની રચના થવાથી હાલના ૫૧ વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં ૧૦ તાલુકાઓનો વધારો થશે અને તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે.
એટલું જ નહીં નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહિવટી માળખું ઉભુ કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે.
દેશમાં વિકાસના રોલ મોડલ અને ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતના તાલુકાઓને પણ વિકાસના મોડલ બનાવવાની દિશામાં આ ર્નિણય મહત્વનો પુરવાર થશે. નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.