Last Updated on by Sampurna Samachar
‘મારો ઈરાદો સાચો હતો, પરંતુ મારા શબ્દો ખોટા હતા’
CMO ડો. રુદ્રેશ કુટીકરને સસ્પેન્ડ કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોવા (GOA) ના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH) માં એક વરિષ્ટ ડોક્ટર સાથે થયેલા વિવાદ પછી જાહેરમાં માંગવી પડી છે. આ વિવાદ ત્યારે શરુ થયો જ્યારે રાણેએ GMCH ના ઈમરજન્સી વોર્ડમાં અચાનક નિરીક્ષણ કર્યું અને એક દર્દી સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવાના આરોપસર ચીફ મેડિકલ ઓફિસર (CMO) ડો. રુદ્રેશ કુટીકરને સસ્પેન્ડ કર્યા હતા.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે પછી રાણેને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને વિપક્ષી પક્ષો તરફથી આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણેએ મીડિયા સાથેની ખાસ વાતચીત કરતાં કહ્યું કે, હું IMA ની માફી માંગવા માંગુ છું. મારો ઈરાદો સાચો હતો, પરંતુ મારા શબ્દો ખોટા હતા. હું માત્ર એક દર્દી માટે ઉભો રહ્યો.
હું દર્દીનુ દુ:ખ સમજી શકુ છું
હું CMO ની પણ માફી માંગવા ઈચ્છું છું. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે આ મુદ્દાને તેઓ રાજકીય રંગ આપવા નહોતા માંગતા. રાણેએ કહ્યું, હું તેને રાજકીય બનાવવા માંગતો નથી. હું દર્દીનું દુ:ખ સમજું છું, કારણ કે મારી માતા પોતે કેન્સરથી પીડિત છે.
હકીકતમાં વિશ્વજીત રાણેને એક વરિષ્ઠ પત્રકાર તરફથી ફરિયાદ મળી કે, તેમના સાસુ કે, જે હાલમાં એક વૃદ્ધ મહિલા છે અને સાયટિકાથી પીડાય છે, તેમને GMCH ના ઈમરજન્સી વોર્ડમાં ઈન્જેક્શન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે રાણેએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ડૉ. કુટીકરને જાહેરમાં ઠપકો આપ્યો અને તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.