Last Updated on by Sampurna Samachar
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો
૧૪ ઈ-મેઈલ આઈડીથી મોકલતા ઓફર લેટર
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિન્દી ફિલ્મ સ્પેશિયલ ૨૬ જેવી ઘટના અમદાવાદમાં સામે આવી છે. ભારતભરના સરકારી નોકરી વાંચ્છુક સાવધાન થઈ જશો. કેમ કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક એવા માસ્ટર માઇન્ડ આરોપીની ધરપકડ કરી છે. જે અલગ અલગ કેન્દ્ર એજન્સીઓમાં નોકરી આપવાના બહાને નોકરી ઈચ્છતા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે અમન નરેન્દ્રનાથ વર્મા (ઉંમર ૩૬ વર્ષ)ની અટકાયત કરી છે. મૂળ ભૂઈફોર ધનબાધ ઝારખંડનો રહેવાસી છે અને માત્ર ૧૨ પાસ છે. સાથે જ ખાનગી કોમ્યુટર એન્જિનરીંગનો કોર્સ કર્યો છે અને ૭ વર્ષ સુધી બેન્કિંગ સેક્ટરમાં નોકરી કરી ચૂક્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે દ્વારા આંતરરાજ્ય કેન્દ્ર સરકારની અલગ અલગ શાખામાં નોકરી આપવાના છેતરપિંડીના કેસમાં નકલી ઈન્કમટેક્સ ઓફિસર અમન નરેન્દ્રનાથ વર્માની ઝારખંડમાંથી ધરપકડ કરી છે.
એક વર્ષમાં ૩૫ યુવક- યુવતી સાથે છેતરપિંડી આચરી
આ સ્પેશિયલ ૨૬ ના વિલનની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો, આ ગુનામાં પકડાયેલ મુખ્ય સુત્રધાર આરોપી અમન નરેન્દ્રનાથ વર્માની ટીમના માણસો મારફતે લોકોનો સંપર્ક કરાતો હતો. નોકરી વાંચ્છુક યુવાનો કે યુવતીનો સંપર્ક મેળવતા. આરોપીઓ પોતાનું ખોટું નામ અને કેન્દ્ર સરકારની એજન્સીના અધિકારીની ખોટી ઓળખ ઊભી કરતા.
અમન નરેન્દ્રનાથ વર્મા દ્વારા યુવાન યુવતીઓને કેન્દ્ર સરકારની જુદી જુદી એજન્સીઓ, જેમ કે રેલવે, ઈન્કમટેક્સ, ફુડ વિભાગ, રેલ્વે, આરોગ્ય જેવી કચેરીઓના નામ સાથે હળતા ભળતા નામવાળા ઈ-મેઇલ આઈ.ડી. બનાવી જેના મારફતે નોકરી ઈચ્છુકોને ઈમેઈલ મોકલી આપી મોટા શહેરોમાં નામચીન હોટલોમાં ઈન્ટરવ્યુ માટે બોલાવતા. જેમાં જાતેથી ઈન્ટરવ્યુ લઈ તેમજ પોતે ટ્રેનિંગ માટેની જગ્યાનું આયોજન કરી પોતે ટ્રેનિંગ લઈ યુવાનો પાસેથી પ્રોસેસિંગ માટે તેમજ અન્ય કાર્યવાહી માટે નાણા માંગતા હતા.
ત્યારબાદ ફોન ઉપાડતા ન હતા. ત્યારે આ જ પ્રકારે મૂળ ઝારખંડની વાતની અને ઝારખંડ સરકારમાં પીઆઇ રહેલા અધિકારીની પુત્રી સાથે પણ આ પ્રકારે ૯ લાખ અને ૩૦ હજાર ની છેતરપિંડી આચરી હતી. જેમાં યુવતી પાસેથી ઈન્કમટેક્સમાં નોકરી આપવાના બહાના હેઠળ ૯ લાખ ૩૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધ્યા તપાસમાં આ સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો હતો.
ત્યારે રિયલ લાઈફના સ્પેશિયલ ૨૬ ના નકલી ઈન્કમ ટેક્સ ઓફિસર અમન નરેન્દ્રનાથ વર્માની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું છે કે, વર્ષ ૨૦૨૩ માં CBI ના હાથે આ જ પ્રકારના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અને જેલવાસ પણ ભોગવ્યો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે જ વધુ ૧૪ ઇમેઇલ આઇડી બનાવ્યા હતા અને જેના દ્વારા ભારતભરના ૩૫ થી વધુ નોકરી ઇચ્છુકોનો સંપર્ક કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
આરોપીએ સરકારની એજન્સીઓને હળતા મળતા ઈમેઈલ આઈડી બનાવ્યા હતા. જેમાં આવા તમામ ઇમેઇલથી ભારતના અલગ અલગ રાજ્યના નોકરી ઇચ્છુકોને ઈમેઈલ કરાતો હતો. તેમનો વિશ્વાસ કેળવતો હતો. ત્યાર બાદમાં ભોગ બનનારને ખોટા જોઈનિંગ લેટર મોકલી આપી ૭ દિવસની ટ્રેનિંગનું આયોજન કરતા. જેના બહાના હેઠળ આરોપી ભોગવનાર પાસેથી પ્રોસેસીંગ ફીના નામે ૧૨ લાખ માંગતો.
વાટાઘાટો કરીને જે રકમ મળે એ લઈ લેતો. બાદમાં બીજી રિફ્રેશમેન્ટ ટ્રેનિંગની વાત કરતો અને જેમાં પણ લાખોની રકમમાં જે મળે તે લઈ લેતો અને બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દેતા હતા તેવું અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના એસપી હાર્દિક માંકડિયાએ જણાવ્યું.
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, છેલ્લાં એક વર્ષમાં આરોપીએ ૩૫ યુવક યુવતી સાથે આ રીતે છેતરપિંડી આચરી હતી. ત્યારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનેક ચેકબુક એટીએમ કાર્ડ પેન ડ્રાઇવ અને બે ઈનકમ ટેક્સના નકલી બે આઇકાર્ડ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઘટનાથી જે લોકો સરકારી નોકરીમાં શોર્ટકર્ટ અપનાવામાંથી રહ્યા હોય છે તેની માટે લાલબત્તી સમાન કિસ્સો છે.