Last Updated on by Sampurna Samachar
કેનેડાની પોલીસે ૧૮ ભારતીય ગુનેગારોની કરી ધરપકડ
હજુ વધુ કેટલાક ગુનેગારો ઝડપી લેવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિદેશમાં વસતા ભારતીયો બહુ શિસ્તબદ્ધ રીતે જીવતા હોય છે અને ખૂબ સારી આર્થિક સ્થિતિ ધરાવતા હોય છે, એવી એક માન્યતા છે. જોકે, પીળું હોય એ બધું સોનું નથી હોતું એ ન્યાયે વિદેશમાં વસી ગયેલા ભારતીયો પણ અવળા ધંધામાં લાગેલા હોય, એવું બને છે. તાજેતરમાં સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સાએ આ બાબત સાબિત કરી છે.
કેનેડાના ‘પીલ’ અને ‘ગ્રેટર ટોરોન્ટો એરિયા’ માં ભારતીય બિઝનેસમેનને લક્ષ્ય બનાવીને ખંડણી ઉઘરાવવાના અને વીમા કૌભાંડ કરવાના અનેક ગુના બન્યા છે, જેમાં ભારતીયો જ સંડોવાયેલા હોવાનું માલુમ પડ્યું છે. કેનેડા (CANEDA) ની પોલીસે તાજેતરમાં ૧૮ ગુનેગારોની ધરપકડ કરીને એમની સામે ૧૦૦ જેટલા આરોપો લગાડ્યા છે.
૬.૩ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી
ઝડપથી નાણાં રળવાની લાયમાં ઊંધે પાટે ચઢી ગયેલી આ ટોળકી સમૃદ્ધ ભારતીય બિઝનેસમેનને લક્ષ્ય બનાવવાની યોજના ઘડતી હતી. ભારતીય મૂળના બે યુવાનો પરિતોષ ચોપરા અને ઈન્દ્રજીત ધામી ‘હમ્બલ રોડસાઈડ‘ અને ‘સર્ટિફાઈડ રોડસાઈડ‘ નામની ટૉઈંગ કંપની ચલાવતા હતા અને કંપનીના કામની આડમાં ગોરખધંધા કરતા હતા.
આ કામમાં તેમના બીજા ૧૬ સાથીદાર હતા. આ તમામ પર ખોટી રીતે વાહનો ટૉ કરવા, ડ્રાઈવરોને ધાકધમકી આપવી, વાહનોનો વીમો પકવવા બનાવટી અકસ્માતો કરાવવા, ચાલુ વાહને બંદૂક ચલાવવા, આગ લગાડવી જેવા ૧૦૦ આરોપો લગાડવામાં આવ્યા છે. આ ગેંગ કેનેડાના બ્રેમ્પટન શહેરની છે.
એકાદ ડઝન નકલી અકસ્માત કરાવીને આ ગેંગે કુલ ૧ મિલિયન કેનેડિયન ડોલર (૬.૩ કરોડ રૂપિયા) જેટલી રકમની છેતરપિંડી વીમા કંપનીઓ સાથે કરી હતી. જુલાઈ ૨૦૨૪માં તેમની વિરુદ્ધ પોલીસ તપાસ શરૂ કરાઈ હતી અને ૧૦ જૂનના રોજ ગુનેગારોની ધરપકડ કરાઈ હતી.
પોલીસે ગુનેગારોની ૪.૨ મિલિયન ડોલરથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી, જેમાં ૨.૮ મિલિયન ડોલરની કિંમતના ૧૮ નંગ ટૉ ટ્રક, ૪ મોંઘા વ્યક્તિગત વપરાશ માટેના વાહનો, ૫ ચોરાયેલી કાર, ૬ બંદૂક, ૫૮૬ ગોળી, ૨ બુલેટપ્રૂફ જેકેટ અને અન્ય શસ્ત્રોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને ‘પ્રોજેક્ટ આઉટસોર્સ’ નામ અપાયું હતું.
ગુનેગારો પૈકીના મોટાભાગના ભારતીયો :
‘પ્રોજેક્ટ આઉટસોર્સ’ અંતર્ગત ધરપકડ કરાયેલા લોકોમાં ‘કિંગ સિટી’ના ૩૭ વર્ષના મહિલા આરોપી ‘હાલેહ જાવડી તોરાબી’ સિવાય બાકીના તમામ બ્રેમ્પટનના રહેવાસી છે. આ લોકોમાં ઈન્દ્રજીત ધામી (ઉં. ૩૮), પરિતોષ ચોપરા (૩૨), ગુરબિંદર સિંહ (૨૮), કુલવિંદર પુરી (૨૫), પરમિન્દર પુરી (૩૧), ઈન્દ્રજીત બાલ (૨૯), વરુણ ઓલ (૩૧) , કેતન ચોપરા (૩૦), નોર્મન તાઝેહકાંડ (૩૨), પવનદીપ સિંહ (૨૫), દિપાંશુ ગર્ગ (૨૪), રાહુલ વર્મા (૨૭), મનકીરત બોપરાઈ (૨૨), સિમર બોપરાઈ (૨૧), જોવાન સિંહ (૨૩), અભિનવ ભારદ્વાજ (૨૫), કરણ બોપરાઈ (૨૬) સામેલ છે. આ ૧૮ લોકોને એકથી વધુ ગુના હેઠળ પકડવામાં આવ્યા છે. આ પૈકીના અનેક અન્ય કોઈ કારણસર જેલમાં હતા અને જામીન પર છૂટેલા હતા.
આ હકીકત સામે આવતાં હવે કેનેડાની જેલોમાંથી ગુનેગારોને અપાતી જામીનના નિયમો કડક કરવાની માંગ ઊઠી છે. આ કેસમાં પોલીસ તપાસ હજુ ચાલુ જ છે, પરંતુ પોલીસને આશા છે કે આગામી દિવસોમાં હજુ વધુ કેટલાક ગુનેગારો ઝડપી લેવામાં આવશે.