Last Updated on by Sampurna Samachar
ગેસ લિમિટેડની લાઈનમાં ભંગાણ મુદ્દે કાર્યવાહી
કોન્ટ્રાક્ટરને ૬૦ લાખનો મોટો દંડ ફટકારવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં ડ્રેનેજની કામગીરી દરમિયાન વડોદરા ગેસ લિમિટેડ ની મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા આ મામલે સખત કાર્યવાહી કરવામાં આવી છે. બેદરકારી દાખવનાર ડ્રેનેજ કામગીરીના કોન્ટ્રાક્ટરને વડોદરા ગેસ લિમિટેડ દ્વારા રૂ. ૬૦ લાખનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના ગોલ્ડન ચોકડી પાસે મુખ્ય ગેસ લાઈનમાં બની હતી. ડ્રેનેજ લાઇન નાખવાના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે ગેસ લાઈનમાં ભંગાણ પડ્યું હતું, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

આ ભંગાણના કારણે અંદાજે ૮ લાખ જેટલા લોકો ગેસથી વંચિત રહ્યા હતા. રસોઈ માટે ઉપયોગમાં લેવાતા પાઇપ્ડ નેચરલ ગેસનો પુરવઠો અચાનક બંધ થવાથી લાખો પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
VGL દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવાઇ
VGL દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે કડક વલણ અપનાવતા તેને આર્થિક દંડ કરવામાં આવ્યો છે. આ દંડ બેદરકારીભર્યા કામગીરી માટે એક ચેતવણીરૂપ પગલું માનવામાં આવે છે.