Last Updated on by Sampurna Samachar
૧૫ મહિના કેદની સજા સાથે પાંચ લાખ રૂપિયા વળતર ચૂકવવાની સજા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના ઇન્ડિયા કોલોની વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષીય પરેશભાઇ બળદેવભાઇ મિસ્ત્રી ૫ જૂન ૨૦૨૨ના રોજ રાત્રે પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક આઈસર ગાડીએ તેમને ટક્કર મારી હતી. જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે મૃતકના દીકરા ચૈતન્યએ ‘જી’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ કરી આઈસર ચાલક નારાયણલાલ લેમ્બીયાજી મીણાને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની સામે ચાર્જશીટ કરતા કેસ મેટ્રો કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ કે.એસ.ચૌધરીએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, “હાલ આવા અકસ્માતના કિસ્સા વધી રહ્યા છે, આરોપીની બેદરકારીને કારણે નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે.”
વધુમાં સરકારી વકીલે એવું પણ કહ્યું કે, “આરોપી સામે આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સજા કરવી જોઈએ.” જ્યારે આરોપી તરફે ઓછી સજા કરવા રજૂઆત કરી હતી. મેટ્રો કોર્ટે બંને પક્ષની રજૂઆત બાદ આરોપી નારાયણલાલ લેમ્બીયાજી મીણાને ૧૫ મહિના કેદની સજા ફટકારી હતી. સાથે જ કોર્ટે પાંચ લાખ રૂપિયા વળતર ચૂકવવા અને આરોપીનું લાઇસન્સ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવા ઓર્ડર કર્યો હતો.
મહત્વનું છે કે અકસ્માતોના વધતા બનાવોને પગલે સમાજમાં એક દાખલો બેસે તે પ્રકારની કાર્યવાહી કોર્ટ દ્વારા કરી કેસ પર ઝડપી ચુકાદો આપી મૃતકના પરિવારજનોને કાયદાકીય ન્યાય મળે તે પ્રકારનું વલણ પોલીસ અને કોર્ટનું જોવા મળ્યું હતું.
મેટ્રો કોર્ટે કરેલા ઓર્ડરમાં પણ આરોપીનું લાઇસન્સ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવા ઓર્ડર કરતા ગફલતભરી રીતે વાહન હંકારતા વાહન ચાલકોમાં પણ એક દાખલા રૂપ કાર્યવાહી કરી છે. બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા પણ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું ફરજિયાત રીતે પાલન કરે તે માટે કાર્યવાહી કરાવી રહી છે જ્યારે રોડ પર ખામીયુક્ત કટ બંધ કરાવી અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે પોલીસ કામગીરી કરી રહી છે.