Last Updated on by Sampurna Samachar
ડિઝાસ્ટર મેનેજમેન્ટને સતત ઍલર્ટ રહેવાનો નિર્દેશ
ઉત્તરાખંડના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ ક્ષેત્રમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જારી કર્યા બાદ આ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રને હાઈ ઍલર્ટ પર રાખવામાં આવ્યું છે. તીર્થયાત્રીઓ અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

કેદારનાથ આવનારા તમામ યાત્રીઓ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઈઝરીમાં શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવી છે કે, હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમે હાલમાં યાત્રા કરવાનું ટાળો. ડીએમ પ્રતીક જૈને જિલ્લાના તમામ વિભાગોને ઍલર્ટ મોડ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે ૧૨, ૧૩ અને ૧૪ ઓગસ્ટના રોજ રુદ્રપ્રયાગ સહિત ઉત્તરાખંડના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
સુરક્ષાની પણ સઘન વ્યવસ્થા કરવામાં આવી
ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર હાઈ ઍલર્ટ પર રાખવામાં આવ્યું છે. જિલ્લા અધિકારી પ્રતીક જૈને જણાવ્યું કે, વહીવટી તંત્રએ ૧૨, ૧૩ અને ૧૪ ઓગસ્ટ માટે કેદારનાથ યાત્રા સ્થગિત કરી છે. હવામાન વિભાગે રુદ્રપ્રયાગ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે, તેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને ઍલર્ટ પર રાખવામાં આવ્યું છે. સુરક્ષાની પણ સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા અધિકારી પ્રતીક જૈને જળાશયો પાસે રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર જવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘નદીના જળ સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસ, લોકનિર્માણ વિભાગ, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો સહિત તમામ સરકારી કર્મચારીઓને સતત સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. અમે હવામાન અનુકૂળ થવા પર કેદારનાથ યાત્રા ફરીથી શરૂ કરવા અંગે અપડેટ આપીશું.
અધિકારીએ જણાવ્યું કે, વોર્નિંગ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તમામ નેશનલ હાઈવે ના ડેન્જર ઝોનમાં ૨૪ કલાક જેસીબી અને પોકલેટ મશીનો તહેનાત કરવામાં આવ્યા છે.
જેથી રસ્તા પર અવરોધ આવતા તેને ઝડપથી ખોલી શકાય. ડિઝાસ્ટર મેનેજમેન્ટને સતત ઍલર્ટ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકો અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.