Last Updated on by Sampurna Samachar
આ પહેલીવાર નથી કે જ્યારે મેટાએ છટણીની જાહેરાત કરી હોય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટામાં મોટાપાયે છટણીની શરુઆત થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મેટા લગભગ ૩,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢશે. તાજેતરમાં કંપનીએ ઇન્ટરનલ મેમો મારફત કર્મચારીઓને છટણી અંગે માહિતી આપી હતી. મેટાના HR ના વાઇસ પ્રેસિડન્ટ જેનેલ ગેલેએ છટણી અંગેની વિગતો વર્કપ્લેસ ફોરમ પર રજૂ કરી હતી.
મેટાએ ગયા મહિને જ છટણી અંગેની વિગતો કર્મચારીઓને આપી હતી. જેમાં કુલ સ્ટાફમાંથી ૫ ટકા લોકો છટણીનો ભોગ બનશે તેવું જણાવ્યું હતું. અર્થાત્ કંપનીના કુલ વર્કફોર્સના આધારે લગભગ ૩,૦૦૦ લોકોની છટણી થવાનો સંકેત છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ કયા વિભાગ અને કયા કર્મચારીઓની છટણી કરશે તેની વિગતો જાહેર કરી નથી.
આ છટણી પાછળના કારણો અંગે કંપની દ્વારા હજી સુધી કોઈ વિગતો આપવામાં આવી નથી. અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મેટા મશીન લર્નિંગ એન્જિનિયર્સ અને અન્ય AI સંચાલિત ભૂમિકાઓ માટે ભરતી પ્રક્રિયાઓને વેગ આપવાના હેતુ સાથે છટણી કરી રહ્યું છે. વિશ્વની મોટી ટેક કંપનીઓમાં વર્ષ ૨૦૨૨ થી સતત છટણી ચાલુ છે. આ પહેલીવાર નથી કે જ્યારે મેટાએ છટણીની જાહેરાત કરી હોય.
જણાવી દઈએ કે ઝૂકરબર્ગે વર્ષ ૨૦૨૩ને કંપનીનું ‘યર ઑફ એફિશિયન્સી’ જાહેર કર્યું હતું અને ત્યારબાદ મેટાએ ૧૦ હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. મેટાએ વર્ષ ૨૦૨૨થી લગભગ ૨૧ હજાર નોકરીઓ પર કાપ મૂક્યો છે. મેટા જ માત્ર છટણી કરી રહ્યું નથી. ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને સ્ટ્રાઇપ જેવા અન્ય ટેક જાયન્ટ્સે પણ ૨૦૨૫માં તેમના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.
એમેઝોને તેના ફેશન અને ફિટનેસ વિભાગોમાં લગભગ ૨૦૦ નોકરીઓ દૂર કરી છે. અહેવાલો અનુસાર, એક તરફ, સ્ટ્રાઇપે ૨૦૨૫ના અંત સુધીમાં તેના કર્મચારીઓની સંખ્યામાં ૧૭ ટકાનો વધારો કરવાની યોજના તૈયાર કરી છે, તો બીજી તરફ, મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને ઓપરેશન્સ સાથે સંબંધિત લગભગ ૩૦૦ કર્મચારીઓને તાજેતરમાં જ હાંકી કાઢ્યા હતા. રોબિનહુડના મીડિયા ડિપાર્ટમેન્ટે પણ શેરવુડની પુનઃરચનાનો ઉલ્લેખ કરીને ઘણા કર્મચારીઓને છૂટા કર્યા હતા.