Last Updated on by Sampurna Samachar
સ્ટેટ મોનીટરિંગ સેલ ટીમે જાળ બિછાવી બે આરોપીને ઝડપ્યા
બંન્ને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ફરી એકવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી કે દરિયાપુરમાં રહેતો મતીન ઉર્ફે ખાલુ મહેબુબ શેખ તેના સાગરીત શાહનવાઝ ઉર્ફે અંડા પઠાણ સાથે રિક્ષામાં ગેરકાયદે ડ્રગ્સનો જથ્થો લઈને શિવરંજની ચાર રસ્તાથી IIM ખાતે છુટક વેચાણ કરવા જવાના છે.

જે માહિતીને આધારે પોલીસે જાળ બિછાવીને IIM ના કોટની દિવાલ પાસે રિક્ષા આવતા અટકાવી હતી. રિક્ષામાંથી પોલીસે જુહાપુરાના શાહનવાઝ ઉર્ફે અંડા ઈમામખાન પઠાણ અને દરિયાપુરના મતીનમિયા ઉર્ફે ખાલુ મહેબુબ મિયા શેખની ધરપકડ કરી હતી.
છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
તપાસમાં તેમની પાસેથી રૂ. ૫,૫૦,૩૦૦ ની કિંમતનો ૫૫ ગ્રામ અને ૦.૦૩૦ મિલીગ્રામ મેફેડ્રોનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.પોલીસે તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો, રોકડ રકમ અને રિક્ષા મલીને કુલ રૂ. ૬,૬૦,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પુછપરછમાં આ જથ્થો તેમણે અમદાવાદમાં રહેતા બાદશાહ ખાન તથા અજમલ પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે આ બન્ને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ કાર્યવાહી સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય, DYSP કે.ટી.કામરીયા તથા તેમની ટીમે બજાવી હતી.