Last Updated on by Sampurna Samachar
માતાને મારી નાખવાની ધમકી આપી આચર્યુ હતુ દુષ્કર્મ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી તાલુકામાં એક મનોદિવ્યાંગ સગીરાનો દુષ્કર્મ કેસ સામે આવ્યો હતો, જેમાં કોર્ટે ૩ વર્ષ બાદ ચુકાદો આપ્યો છે, સગીરા સાથે દુષ્કર્મ કેસમાં સ્થાનિક કોર્ટે માનસિક રીતે અસ્થિર ૧૬ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર દુકાનદારને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૨માં બનેલી આ ઘટનામાં આરોપીએ માતાને મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. માસૂમને ૪ માસનો ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો હતો.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.આર.પંડ્યાની કોર્ટે ૪૪ પુરાવાને આધારે આરોપી સુરેશ ભગવાનજીભાઈ ઝાલરિયાને જીવનના છેલ્લા શ્વાસ સુધી સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે આરોપી પર ૮૫,૦૦૦નો દંડ પણ ફટકાર્યો છે. પીડિતાને ન્યાય અપાવવા માટે કોર્ટે ૪ લાખનું વળતર અને દંડની રકમ મળીને કુલ ૪.૮૫ લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.
મોરબી તાલુકામાં બનેલી આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવ્યો હતો, મળતી વિગતો મુજબ, આરોપીએ દુકાનમાં આવેલી સગીરાને અંદર લઈ જઈ શટર બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું અને માતાને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ સગીરાને ૧૯ અઠવાડિયાંનો ગર્ભ હોવાનું જાણવા મળતાં તેની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મદદનીશ સરકારી વકીલ એન.ડી.કારિયાની દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે આ કઠોર ચુકાદો આપ્યો છે.
મળતી માહિતી મુજબ, દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે સગીરાની ઉંમર ૧૫ વર્ષ ૮ મહિના હતી અને તે ૯મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, જાેકે તે થોડી માનસિક અસ્થિર હતી. એક દિવસ અચાનક તેને પેટમાં દુખાવો થતાં મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં તેને ૧૯ અઠવાડિયાંનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.
માતાએ દીકરીને વિશ્વાસમાં લઈને પૂછ્યું ત્યારે દીકરીએ કહ્યું હતું કે ‘પાંચેક મહિના પહેલાં હું આપણા ઘરની પાછળ સુરેશ ઝાલરિયાની દુકાને બોલપેન લેવા ગઈ હતી. ત્યારે સુરેશ ઝાલરિયાએ તેનાં કપડાં કાઢીને તેની સાથે ખરાબ કામ કર્યું હતું.’ એવું કરવાની તેને ના પાડી તો ચૂપ થઈ જા, નહીંતર હું તને અને તારાં માતા-પિતાને મારી નાખીશ એવી ધમકી આપી હતી. ત્યાર બાદ થોડા દિવસ પછી આ સગીરા બપોરે સુરેશની દુકાન પાસેથી નીકળી હતી ત્યારે આરોપીએ સગીરાને દુકાનમાં બોલાવી હતી. ત્યાર બાદ દુકાનનું શટર બંધ કરીને તેની સાથે ખરાબ કામ કર્યું હતું. આમ, સગીરાને તેનાં માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી તેની સાથે ૨ વખત દુષ્કર્મ આચર્યું હતું, જેથી તેને ગર્ભ રહી ગયો હતો.