Last Updated on by Sampurna Samachar
UP માં રાજ્યમંત્રી રઘુરાજ સિંહનુ વિવાદિત નિવેદન
ઉત્તર પ્રદેશના સંભલમાં તણાવની સ્થિતિ સર્જાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશ સરકારના રાજ્યમંત્રી રઘુરાજ સિંહે અલીગઢમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ધૂળેટીના રંગોને કારણે જે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પુરુષોએ હિજાબ પહેરવું જોઈએ. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે જેમ મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરે છે તેવી જ રીતે પુરુષોએ પણ હિજાબ પહેરવો જોઈએ. હિજાબ પહેરો જેથી તમારી ટોપી અને શરીર સુરક્ષિત રહે. હવે મંત્રીના આ નિવેદનને લઈને હોબાળો થયો છે, તેની ટીકા થઈ રહી છે.
હાલમાં ઉત્તર પ્રદેશના સંભલમાં તણાવની સ્થિતિ છે. ધૂળેટી અને જુમ્માની નમાજ એક જ દિવસે છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે હિન્દુઓને બપોરે ૨ વાગ્યા સુધી ધૂળેટી રમવા દો અને પછી નમાઝ અદા કરો. સીઓ અનુજ ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે જો રંગની સમસ્યા હોય તો નમાઝ ઘરે જ અદા કરવી જોઈએ. હવે તે નિવેદનો બાદ મંત્રી રઘુરાજ સિંહે એક ડગલું આગળ વધીને આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
એક દિવસ મોડી નમાઝ પઢો
મંત્રી રઘુરાજ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ‘ધૂળેટીમાં વિક્ષેપ સર્જનારાઓ માટે ત્રણ વિકલ્પ છે. જેલમાં જાઓ, રાજ્ય છોડી દો અથવા યમરાજ પાસે પોતાનું નામ નોંધાવો.‘ રઘુરાજ સિંહે એમ પણ કહ્યું કે, ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મંદિર બનાવવામાં આવશે, તે લોકોએ બહુમતનું સન્માન કરવું જોઈએ.‘
મંત્રી રઘુરાજ સિંહે કહ્યું કે વર્ષમાં ૫૨ વખત જુમ્મા આવે છે અને ધૂળેટી એક જ દિવસ આવે છે. તેથી, એક દિવસ મોડી નમાઝ પઢો. જો ધૂળેટી રમતા સમયે નમાઝ અદા કરવાની હોય, તો હું તમને બેગમ હિજાબ પહેરે છે તેવી તાડપત્રી પહેરવાનું સૂચન કરું છું, જેથી તમે રંગો સુરક્ષિત રહો.
રઘુરાજ સિંહ આટલું કહીને ન અટક્યા. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મંદિર બનાવવાની માંગને સમર્થન આપ્યું હતું. રઘુરાજ સિંહે એમ પણ કહ્યું કે, ‘AMU માં મંદિર બનાવવામાં આવશે અને આ લોકોએ બહુમતનું સન્માન કરવું જોઈએ. મારી માંગ છે કે AMU માં રામ મંદિર બને. જો તે બને છે, તો હું પ્રથમ ઇંટ મૂકીશ. ત્યાં વ્યક્તિ મંદિર માટે સર્વસ્વ બલિદાન આપી શકે છે.
આ વખતે રમઝાનનો બીજો જુમ્મા અને ધૂળેટી એક જ દિવસે છે. આ અંગે સંભલમાં સીઓ અનુજ ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે, ‘ધૂળેટી વર્ષમાં એકવાર આવે છે અને જુમ્મા ૫૨ વખત આવે છે. આવી સ્થિતિમાં જેમને રંગની સમસ્યા હોય તેમણે ઘરમાં જ રહેવું જોઈએ.‘ સંભલ સીઓના આ નિવેદન બાદ પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સંભલ સીઓના નિવેદનને પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે અધિકારી કુસ્તીબાજ છે, તે કુસ્તીબાજની જેમ જ બોલશે.‘
યોગી સરકારના મંત્રી ગુલાબો દેવીએ પણ સંભલના સીઓ અનુજ ચૌધરીના નિવેદનને સમર્થન આપતા શનિવારે કહ્યું કે, ‘દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા જોઈએ અને તેમાં કોઈ પ્રકારની સાંપ્રદાયિકતા ન હોવી જોઈએ, ભાજપ સરકાર હંમેશા ઈચ્છે છે કે, ૧૨ તહેવાર આવે કે એક તહેવાર આવે, બધા શાંતિપૂર્ણ રીતે ઉજવે. સમાજમાં સૌહાર્દ અને એકતાની લાગણી હોવી જોઈએ.