Last Updated on by Sampurna Samachar
માંગણી ન સંતોષાતા મહિલાને ચાલતી બસમાંથી માર્યો ધક્કો
મહિલા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટથી સુરત જતી સ્લીપર કોચ બસમાં પરપ્રાંતીય મહિલાની છેડતીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. માહિતી પ્રમાણે બસમાં એક મહિલાની છેડતી કરી તેને બાસમથી ધક્કો મારી બહાર ફેંકી દેવામાં આવી હતી જ્યાં મહિલા નીચે પટકાતાં આ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને બાદમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ હતી.

સુત્રોથી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશની અને હાલમાં રાજકોટમાં રહેતી આ મહિલા તેની નણંદના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા માટે સુરત જઈ રહી હતી. તેનો પતિ તેને ગ્રીનલેન્ડ ચોકડીથી ખાનગી બસમાં બેસાડી ગયો હતો. બસ ચાલુ થયા પછી, ચોટીલા નજીક એક અજાણ્યો પુરુષ તેની સીટ પાસે બેઠો અને તેને હેરાન કરવાનું શરૂ કર્યું.
લીમડી પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી
જ્યારે મહિલાએ આ વસ્તુનો પ્રતિકાર કર્યો, ત્યારે બસ ક્લીનર પણ ત્યાં પહોંચ્યો, અને બંને પુરુષોએ તેના પાસે અશ્લીલ માંગણીઓ કરી. તેની સલામતી માટે, મહિલા ડ્રાઇવરની કેબિનમાં ગઈ, પરંતુ પુરુષોએ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું.
આ મહિલા પાસે તેમની માંગણી ના સંતોષતા તે પુરૂષોએ જ્યારે બસ હાઇવે પર સ્પીડમાં જઈ રહી હતી ત્યારે તેને ચાલતી બસમાંથી ફેંકી દીધી હતી. મહિલા લીમડી હાઇવે પર ઘાયલ હાલતમાં મળી આવી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી હતી. લીમડી પોલીસે આ મામલાની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે અને બસ સ્ટાફ અને આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.