‘મને રહેવાની જગ્યા નહીં કરી આપો તો હું અહીં જ મરી જઈશ’ એવી બુટલેગરે આપી ચીમકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણાના પ્રદૂષણ પરામાં રહેતા રમેશ માળી છેલ્લા ઘણા સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. તેમણે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને દારૂ સંતાડવાનો અડ્ડો બનાવ્યો હતો. સ્થાનિક લોકો લાંબા સમયથી આ બાબતે હેરાન પરેશાન હતા. તેમણે અનેક વખત પોલીસ અને મનપા પાસે ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હતી. આ દરમિયાન રમેશ માળી અને તેની પત્ની બંને જણા ભીડ વચ્ચે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં હતાં અને રમેશ માળીએ કહ્યું હતું કે ‘મને રહેવાની જગ્યા નહીં કરી આપો તો હું અહીં જ મરી જઈશ’ એવી ચીમકી આપી હતી. તો બીજી તરફ સામાન હટાવ્યા બાદ એક કલાક સુધી જેસીબી દ્વારા મકાન તોડી પાડવામાં આવ્યું હતું. આ જોઈ રમેશ માળીનો પરિવાર પણ પોતાનું મકાન તૂટતાં જોઈ રડી પડ્યો હતો. ત્યારે તેની દીકરી પણ પોતાના નાના બાળક સાથે ઊભાં ઊભાં ચોધાર આંસુએ રડી પડી હતી.
મહેસાણામા પ્રદૂષણ પરામાં રહેતા અને દારૂનો વ્યાપર કરતા રમેશ માળી અને એના પુત્ર સહિત ત્રણ લોકો પરા વિસ્તારમાં વસવાટ કરતા પટેલ સમાજનાં મકાનો પાછળ આવેલા વાડામાં દારૂ સંતાડતા હતા. એ દરમિયાન એક પાટીદાર યુવકે વિરોધ કરતાં રમેશ માળી અને તેના સાગરીતોએ ભેગા મળી યુવકને છરીઓ મારી ઇજાગ્રસ્ત કર્યો હતો. ત્યાર બાદ ત્રણ દિવસ અગાઉ પરા વિસ્તારમાં રહેતા ૧૦૦ જેટલા લોકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે રમેશ માળી સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દારૂનો વ્યાપાર કરે છે. ત્યાર બાદ મહેસાણાના મનપા કમિશનરે રમેશ માળીને ૧ દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ ફટકારી હતી.
આખરે સ્થાનિક લોકોના દબાણ હેઠળ મનપાએ કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો. મનપાની ટીમે પોલીસની મદદથી રમેશ માળીના ઘર પર દરોડો પાડ્યો અને તેનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું. આ દરમિયાન રમેશ માળી અને તેનો પરિવાર વિરોધ કરતો જાેવા મળ્યો હતો. પરંતુ મનપાની ટીમ અડગ રહી અને કાર્યવાહી પૂર્ણ કરી.