Last Updated on by Sampurna Samachar
ડેમના ૨૩ દરવાજા અઢી મીટર ખોલી નદીમાં પાણી છોડાયું
૨૭ ગામોને કરાયા એલર્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સતત ઉપરવાસ વરસાદના કારણે નર્મદા ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે. સારા વરસાદની અસરથી સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલાયા છે. નર્મદા નદીમાં ૪ લાખ ૪૬ હજાર ૪૫૧ ક્યૂસેક પાણી છોડાયું છે. ડેમના ૨૩ દરવાજા અઢી મીટર ખોલી નદીમાં પાણી છોડાયું છે.
ઉપરવાસમાંથી ૫ લાખ ૩૦ હજાર ૨૯૧ ક્યૂસેક પાણીની આવક થઇ છે. ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના ૨૭ ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે. નર્મદા ડેમની મહતમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. નર્મદા ડેમનું જળસ્તર હાલમાં ૧૩૫.૯૩ મીટર પહોંચ્યું છે.
તાપી નદી કાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના
ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વે પર બ્રિજ પરથી નદીનો ભયાવહ નજારો જોવા મળી રહ્યો છે. ભરૂચમાં નદી કાંઠા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. વરસાદ વધુ વરસે તો સ્થિતિ ખરાબ થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં સતત સારા વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમનનું પણ જળસ્તર પણ વધ્યું છે. ઉકાઇ ડેમના ૧૨ દરવાજા ખોલાયા છે. તાપી નદીમાં ૧ લાખ ૬૩ હજાર ૧૪૮ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમની જળ સપાટી ૩૩૭.૯૦ ફૂટ પર પહોંચી છે. જેના કારણે તાપી નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. ઉકાઈ ડેમ ૮૩.૪૧ ટકા ભરાયો છે.
મહીસાગરના કડાણા ડેમના ૧૩ દરવાજા ખોલાયા છે. મહીસાગર નદીમાં ૨ લાખ ૨૯ હજાર ૩૧૬ ક્યૂસેક પાણી છોડાયું છે. જેના કારણે મલેકપુરથી ખાનપુર તરફ જતા માર્ગ પર તાંત્રોલી બ્રિજ પરથી પાણી વહી રહ્યું છે. મહીસાગરના કડાણા ડેમના ૧૩ દરવાજા ખોલાતાં નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.
છોટાઉદેપુરના સુખી ડેમમાંથી પાણી છોડાયું છે. સુખી ડેમના છ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ભારજ નદીમાં ૧૨ હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. જેના પગલે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં અવિરત મૂશળધાર વરસાદના કારણે સુરતમાં કીમ નદી તોફાની બની છે. કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હાલ કીમ નદીની સપાટી ૧૧.૨૦ મીટર પર પહોંચી છે. કીમ નદીની ભયજનક સપાટી ૧૩ મીટર છે. સતત વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. કીમામલી, કઠોદરા, ઉમરાછી, વડોલી મોટા બોરસરા, શેથી, પનાસરા સહિતના ગામોને કરાયા એલર્ટ છે.
ઉપરાંત તાપી નદી કોઝવેની સપાટીમાં વધારો થયો છે. તાપી નદી પરના કોઝવેની ૯.૫૫ મીટર પર પહોંચી છે. કોઝવેની ભયજનક સપાટી ૬ મીટર છે. તાપી નદી કાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે.
ઉપરવાસમાંથી હેરણ નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે, પરિણામ સ્વરૂપ વડોદરાના ડભોઈમાંથી પસાર થતી હેરણ નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જાેવા મળી રહ્યું છે. અરણિયાને જાેડતા કોઝવે પર આ નદી ઓવરફ્લો થતાં પાણી ફરી વળ્યાં છે. અરણિયા ને આશગોલ ગામ સંપર્ક વિહોણા બન્યાં છે.જાે કે, હેરણ નદીમાં પાણીની ભારે આવકથી ખેડૂતો ખુશખુશાલ છે.