Last Updated on by Sampurna Samachar
ગામને જોડતો એક માત્ર રસ્તો પણ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો
ભુજ-નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. કચ્છના અલગ- અલગ તાલુકાઓમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છ જિલ્લાના માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અબડાસામાં આવેલા બારા ગામનો સંપર્ક કપાયો છે. ગામની નદીમાં ઘોડાપૂર આવતાં બન્ને કાંઠાનો સંપર્ક કપાયો છે. ગામને જોડતો એક માત્ર રસ્તો પણ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. રાપર, અબડાસા અને નખત્રાણામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે.
રાપરના રામવાવ, ભીમાસર, આડેસર, વાગડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અબડાસાના બાલાપર, રાયધણજર, ચિયાસર, અરજણપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા હતા. નખત્રાણાના ઉખેડા, જાડાય, જીયાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
૧૬ તાલુકામાં ૨ ઈંચથી વધારે વરસાદ પડ્યો
કચ્છ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. નખત્રાણા, રાપર, માંડવી, અબડાસા, મુંદ્રામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી નખત્રાણા પાણી પાણી થયું છે. ભુજ-નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ થયો હતો. સુખપર રોહા ગામની બજારમાં નદીની માફક પાણી વહેતા થયા હતા. સલાયા અને નાની ભાડાઈ ગામમાં વરસાદ વરસ્યો છે.
મુન્દ્રાના ખાખર, ભુજપુર, ગુંદાળા, દેશલપર, કંઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી પાણી થયા હતા. કચ્છ જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસામાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે થઈ છે. અબડાસા તાલુકાની વેલડી નદી બે કાંઠે થઈ છે. નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડ્યો છે. ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો સુરત, તાપી, નવસારી, ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તાપીમાં સતત બીજા દિવસે મેઘાની તોફાની બેટિંગ કરી હતી. તાપીના ડોલવણમાં વરસ્યો ૫.૫ ઈંચ, સુરતના બારડોલીમાં પોણા ૫ ઈંચ, સુરતના પલસાણામાં પણ ૪.૨૫ ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગના સુબીરમાં પોણા ૪, વ્યારામાં ૩.૫ ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં ૩.૨૫ ઈંચ વરસાદ વરસ્યો છે.
તાપીના સોનગઢમાં પોણા ૩, વાલોડમાં ૨.૫ ઈંચ, સુરત શહેરમાં પણ ૨.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારી અને ગણદેવીમાં પણ અઢી ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના છે. અલગ અલગ ૪૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.