કોમ્બિંગમાં ૧૧૭૯ લોકોને મેમા આપી ૧૦.૫૫ લાખો દંડ વસૂલ કરાયો
ગુનેગારો પર પોલીસની ધાક બેસાડવા માટે મેગા કોમ્બિંગનું આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનેગારો પર પોલીસની ધાક બેસાડવા માટે મેગા કોમ્બિંગ શરૂ કરાવાયું છે. જેનો ઘણો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્રણ દિવસના સળંગ કોમ્બિંગ બાદ મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેમાં શહેરના ૪૯ પોલીસ મથકોના ૩૦૦૦થી વધુ કર્મચારી રોડ પર ઉતરી આવ્યા હતા. રાત્રિ દરમિયાન ૧૨,૨૯૯ વાહનો ચેક કરીને પોલીસે ૧૧૭૯ લોકોને મેમા આપીને ૧૦.૫૫ લાખો દંડ વસૂલ કર્યો હતો.
અમદાવાદમાં દર આંતરે દિવસે હત્યાઓ થતાં પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઇ છે. કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે ગુનેગારોમાં પોલીસનો ડર રહે તેવી રીતે કામ કરવા અને સતત લોકો વચ્ચે રહેવા પોલીસને સૂચના આપી છે. ત્યારે શહેરભરમાં મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું. કોમ્બિંગ દરમિયાન પોલીસે વાહન ચેકિંગ ઉપરાંત રીઢા ગુનેગારોની ગતિવિધિઓ અને તેમના ઘરની પણ તપાસ કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિકોની કારની બ્લેક ફિલમ રીમુવ કરાવાઈ રહી છે. ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાની કારમાં નંબર પ્લેટ રાખતા નથી અને પ્રતિબંધિત બ્લેક ફિલમ લગાવે છે તેમ છતાં તેમની સામે પગલાં લેવાતા નથી. ગુનેગારો અને અસામજિક તત્ત્વોને પોલીસ ચોક્કસ સબક શીખવાડશે. નિર્દાષ લોકોને પરેશાની થાય નહિ અને કોઇ પણ અસામાજિક તત્ત્વો તેમને રંજાડે નહીં તેના માટે પોલીસ કાર્યરત છે. કોઇ પણ નાગરિકને સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે.