પલસાણામાંથી ૧૦ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કર્ણાટક પાસિંગની ટોયોટા ફોર્ચ્યુનર કારને ઝડપી હતી

ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી પર દરોડો પાડી

(સંપૂર્ણ સમાચાર સેવા)

દેશમાં નશીલા પદાર્થોના વધતા જતા દૂષણ વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મોટી સફળતા મેળવી છે. સુરતના પલસાણા નજીકથી પસાર થતી એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી રૂ.૧૦ કરોડની કિંમતનું ૩૫ કિલો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યા બાદ, આ રેકેટના છેડા કર્ણાટકના મૈસૂર સુધી પહોંચ્યા છે. NCB એ મૈસૂરમાં ગુપ્ત રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી (ફેક્ટરી) પર દરોડો પાડી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.

ચોક્કસ બાતમીને આધારે, NCB ની ટીમે સુરત જિલ્લાના પલસાણા પાસે કર્ણાટક પાસિંગની એક ટોયોટા ફોર્ચ્યુનર કારને આંતરી હતી. કારની તલાશી લેતા તેમાંથી આશરે ૩૫ કિલોગ્રામ અત્યંત શુદ્ધ કક્ષાનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરત પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી

ત્યારબાદ પલસાણામાં આવેલી દાસ્તાન રેસીડેન્સીમાં મુખ્ય સૂત્રધાર મહિન્દ્રા કુમાર વિશ્નોઈના મકાન પર દરોડો પાડતા ૧.૮ કિલોગ્રામ અફીણ, રૂ. ૨૫.૬ લાખની રોકડ અને મોટી માત્રામાં કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સ કર્ણાટકના મૈસૂર સ્થિત હેબ્બલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તૈયાર કરવામાં આવતું હતું. ક્લિનિંગ કેમિકલ બનાવવાની આડમાં અહીં હાઈટેક સાધનોથી સજ્જ ડ્રગ્સની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. NCB એ આ લેબોરેટરીને સીલ કરી ત્યાંથી ૫૦૦ કિલોથી વધુ કેમિકલ જપ્ત કર્યું છે.

મુખ્ય આરોપી મહિન્દ્રા વિશ્નોઈ રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ અગાઉ રાજસ્થાન અને ગુજરાતમાં NDPS ના કેસ નોંધાયેલા છે. ચોંકાવનારી વિગત એ છે કે, વિશ્નોઈએ અગાઉના કેસમાં જ્યારે તે જેલમાં હતો, ત્યારે અન્ય કેદીઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા, બજારની માગ અને સપ્લાય ચેઈન વિશે માહિતી મેળવી હતી. વર્ષ ૨૦૨૪માં જામીન પર મુક્ત થયા બાદ તેણે આ ગુપ્ત લેબ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં ડ્રગ્સના અનેક કન્સાઈનમેન્ટ રાજસ્થાનમાં સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે આ મામલે મહિન્દ્રા વિશ્નોઈ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના વતની છે.

શું જપ્ત કરાયું?

૩૫ કિલો MD ડ્રગ્સ (કિંમત આશરે ૧૦ કરોડ)

૧.૮ કિલોગ્રામ અફીણ

રૂ. ૨૫.૬ લાખ રોકડ

૫૦૦ કિલોગ્રામથી વધુ કેમિકલ

ટોયોટા ફોર્ચ્યુનર કાર

હાલમાં NCB આ ડ્રગ્સ કાર્ટેલના અન્ય સભ્યો અને કેમિકલ સપ્લાય કરનારાઓના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.