Last Updated on by Sampurna Samachar
ડાયરો શરૂ થાય તે પહેલાં તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ કલાકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી. જેમને રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહીરને છાતીમાં દુખાવો થતાં અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હવે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે. માયાભાઈની સારવાર કરી રહેલાં ડૉ. તેજસ પટેલે તેમની તબિયતને લઈને સત્તાવાર નિવેદન આપ્યું છે. તેજસ પટેલે જણાવ્યું કે, માયાભાઈની તબિયત હાલ સારી છે.
માયાભાઈની તબિયતને લઈને ડૉ. તેજસ પટેલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. ડૉ. પટેલે જણાવ્યું કે, માયાભાઈ હોસ્પિટલ આવ્યા ત્યારે એકદમ ક્રિટિકલ હાર્ટ અટેકવાળી સ્થિતિ હતી. લગભગ રાતના ૧ વાગતા અમે એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મૂક્યું અને જે બ્લોકેજ હતું તે ક્લિઅર થઈ ગયું છે. હવે તેમની સ્થિતિ ખૂબ જ સારી છે અને રિકવરી પણ આવી રહી છે.
માયાભાઈ આહીર સ્ટેજ ઉપર ચડતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતી ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતાં તેમને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.