Last Updated on by Sampurna Samachar
મહાકુંભમાં અત્યારસુધીમાં લગભગ ૨૦ કરોડ લોકોએ ગંગામાં સ્નાન કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહાકુંભમાં નાસભાગ બાદ સ્થિતિ કાબૂમાં આવી હોવાનું સત્તાધીશોએ જણાવી રહ્યા છે. તેમજ સંગમ ઘાટ પર સ્થગિત કરાયેલુ અમૃત સ્નાન ફરી શરૂ થયુ છે.ત્યારે દેશના જગદગુરૂ શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું હતું. સંગમ તરફ જઈ રહેલા અખાડાઓ, સાધુ-સંતો પર પુષ્પ વર્ષા થઈ હતી અને એક પછી એક ૧૩ અખાડાએ ગંગામાં ડૂબકી લગાવી હતી. હેલિકોપ્ટર દ્વારા સાધુ-સંતો પર પુષ્પવર્ષા કરાઈ હતી.

મહાકુંભમાં સ્નાન કરતાં પહેલાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે, દેશના ત્રણેય શંકરાચાર્યે પવિત્ર સ્નાન કરવા જઈ રહ્યા છે. અમે જનતા માટે આશીર્વાદનો ધોધ વહાવી રહ્યા છીએ. મૌની અમાસ નિમિત્તે પાંચ કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યારસુધીમાં લગભગ ૨૦ કરોડ લોકોએ ગંગામાં સ્નાન કર્યું છે.
નાસભાગની ઘટના અંગે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું કે, મોડી રાત્રે બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને તેના માટે સૌ દુઃખી છે, પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આપણે સાવચેત રહેવું જોઈએ. હું ભક્તોને ધીરજ રાખવા અને કુંભ ક્ષેત્રમાં વિવિધ ઘાટ પર પવિત્ર સ્નાન કરવા અપીલ કરું છું. એવી કોઈ ચોક્કસ જગ્યા નથી જ્યાં ભક્તોએ સ્નાન કરવા માટે ભેગા થવું જોઈએ. એક જ જગ્યાએ સ્નાન કરીએ તેવો કોઈ આગ્રહ રાખવાની જરૂર નથી. જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશે.
આધ્યાત્મિક નેતા સ્વામી કૈલાશાનંદ ગિરીએ કહ્યું કે અમે ગંગા પૂજન કર્યું. લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા કરી. હું ઉત્તરપ્રદેશના વહીવટીતંત્ર અને મુખ્યમંત્રીનો સ્નાન માટે કરેલી બધી વ્યવસ્થા માટે આભાર માનું છું.