“મારું સૌભાગ્ય છે કે મને આટલા મોટા પ્રસંગે અહીં મહાસ્નાન કરવાની તક મળી”
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી અને ભાજપની સાંસદ હેમા માલિની પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં પહોંચ્યા હતા. તેમણે મૌની અમાવસ્યાના શુભ દિવસે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું. મહાકુંભમાં પહોંચીને પવિત્ર સ્નાન કર્યા બાદ અભિનેત્રીએ તેને પોતાનો ભાગ્યશાળી અવસર ગણાવ્યો હતો. આ દરમિયાન જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજ અને યોગ ગુરુ બાબા રામદેવ પણ હાજર રહ્યા હતા.
અહેવાલ અનુસાર હેમા માલિનીએ કહ્યું કે ‘મારું સૌભાગ્ય છે કે મને આટલા મોટા પ્રસંગે અહીં મહાસ્નાન કરવાની તક મળી, મને ખૂબ સારું લાગ્યું. આટલા કરોડો લોકો અહીં આવ્યા છે અને મને પણ સ્નાન કરવાની જગ્યા મળી.
ઉલ્લેખનીય છે કે મહાકુંભ મેળામાં બીજું શાહી સ્નાન મૌની અમાવસ્યાના દિવસે થવાનું હતું. દરમિયાન રાત્રિના ૧ વાગ્યાના સુમારે મેળામાં નાસભાગ મચી ગઈ હતી. મૌની અમાવસ્યાના મહાકુંભમાં લાખો ભક્તો એકઠા થઈ રહ્યા છે, જેના કારણે નાસભાગ મચી ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૨૦ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.