Last Updated on by Sampurna Samachar
જો કોઈ સ્વસ્થ પુરુષ કે મહિલા રોઝો ન રાખે તો તે એક ગુનેગાર ગણાશે
એનર્જી ડ્રિંક પી લેતા થયો વિવાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમી અંગે ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલવી શહાબુદ્દીન રઝવી બરેલ્વીએ એક ટિપ્પણી કરી હતી જેના પર વિવાદ સજાર્યો છે. મૌલવીના અનુસાર મોહમ્મદ શમીએ રમત દરમિયાન રોઝો ન રાખી ભૂલ કરી.
મૌલવી શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું કે, રોઝા મુસ્લિમો માટે ફર્જ છે. જો કોઈ સ્વસ્થ પુરુષ કે મહિલા રોઝો ન રાખે તો તે એક ગુનેગાર ગણાશે. ભારતની એક પ્રસિદ્ધ ક્રિકેટ હસ્તી મોહમ્મદ શમીએ મેચ દરમિયાન એનર્જી ડ્રિંક પી લીધું. લોકો તેમને જોઈ રહ્યા હતા. જો તે રમી રહ્યા હતા તો તેનો અર્થ એ છે કે તે સ્વસ્થ છે. આવી સ્થિતિમાં તેમણે રોઝો ન રાખ્યો અને પાણી પણ પીધું. તેનાથી લોકોને ખોટો મેસેજ જાય છે. શમીએ આવું કરવાની જરૂર નહોતી. તે એક ગુનેગાર છે. તેણે ખુદાને જવાબ આપવો પડશે.
નોંધનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ દરમિયાન શમીનો એનર્જી ડ્રિંક પીતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘણા લોકોએ કહ્યું હતું કે, મોહમ્મદ શમીએ ઉપવાસ ન રાખીને કોઈ ગુનો કર્યો નથી. એક યુઝરે કહ્યું હતું કે, દેશ હંમેશા ધર્મ કરતાં મોટો હોય છે.
સોશિયલ મીડિયા પર આ મુદ્દા પર ઘણો હોબાળો થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ રમઝાન મહિનામાં આવું કરતાં તેના બાળપણના કોચ બદરુદ્દીન સિદ્દીકીનું એક નિવેદન પણ સામે આવ્યું છે.
બદરુદ્દીને કહ્યું- આ મામલે મોહમ્મદ શમીનો કોઈ વાંક નથી, આખો દેશ તેમની સાથે છે. દેશથી વધુ મહત્ત્વનું કંઈ નથી; આ સંદેશ તેઓ બધા ધર્મગુરુઓને આપવા માંગે છે. બદરુદ્દીન સિદ્દીકીએ કહ્યું- દેશ પહેલા આવે છે, તેનાથી પહેલા કંઈ આવતું નથી. તે પછી પણ ઉપવાસ રાખી શકે છે. આપણો ઇસ્લામ એટલો નાનો નથી કે તે એક જગ્યાએ સંકોચાઈ જાય…
ઇસ્લામમાં પણ એવું છે કે જો તમે બીમાર હોવ તો તમે પછીથી ઉપવાસ રાખી શકો છો. જે લોકો આ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તેઓ દેશનું સમર્થન નથી કરી રહ્યા. તે (શમી) દેશ માટે કંઈ પણ કરવા તૈયાર છે, તે ઉપવાસ પણ છોડી દે છે… તે દેશ માટે બધું જ કરી રહ્યો છે. ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમવાની છે અને આવા નિવેદનો ખેલાડીઓનું મનોબળ તોડી નાખશે.. અને તમે બકવાસ કરવાનું બંધ કરો. તમને આવી વાતો કહેવાનો અધિકાર કોણે આપ્યો?
આ સમગ્ર મામલે મોહમ્મદ શમીના ભાઈ હસીબ શમીએ કહ્યું – એક ખેલાડી હોવાને કારણે, જ્યારે તમારે મેચ રમવાની હોય છે, ત્યારે તમારે બોલિંગમાં સખત મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં, રમઝાન મહિનામાં રોઝા રાખી શકાતા નથી. જો રમત ન થઈ રહી હોય તો તે બધા રોઝા રાખે છે. જો શમીએ મેચ દરમિયાન રોઝા ન રાખ્યો હોય, તો તે પછીથી રોઝા રાખી લે છે.
ઓસ્ટ્રેલિયા સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચમાં શમીએ ૧૦ ઓવરના સ્પેલમાં ૪૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે કપૂર કોનોલી, કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને નાથન એલિસની વિકેટ લીધી હતી.