Last Updated on by Sampurna Samachar
ફેક્ટરીમાં સુરક્ષાના માપદંડોની અવગણના હોવાના અહેવાલ
આગમાં ચાર લોકોના જીવ હોમાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક મોડી સાંજે એક પ્લાસ્ટિક અને કપડાંની પ્રિન્ટિંગ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગમાં ચાર લોકોના મોત થયા હોવાનુ સામે આવ્યું છે. ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ અંગે માહિતી આપતાં ફાયર બ્રિગેડના કર્મચારીએ જણાવ્યું હતું કે, રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક આવેલી એક ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના પર કાબૂ મેળવી લેવાયો હતો. અમને ફેક્ટરીમાંથી ચાર બળી ગયેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતાં.
૧૫-૧૬ ફાયર બ્રિગેડની ગાડીઓ તૈનાત કરાઇ
દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યા પ્રમાણે, સાંજે ૭.૨૫ વાગ્યે ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ફેક્ટરીમાં પ્લાસ્ટિક અને કપડાં પર પ્રિન્ટિંગનું કામ થતુ હતું. આગમાં બેથી ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા. આગ એટલી ભીષણ હતી કે તેના પર કાબૂ મેળવવા માટે ૧૫-૧૬ ફાયર બ્રિગેડની ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી.
ત્રીજા અને ચોથા માળ પરથી ચાર બળેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતાં. આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. ચાર માળની ફેક્ટરીમાં સુરક્ષાના માપદંડોની અવગણના કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે જેસીબીથી ફેક્ટરીની દિવાલમાં ત્રણ બોકારૂ કરવામાં આવ્યા હતાં. જેથી ફેક્ટરીમાં ગૂંગળામણ ન થાય અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય.