Last Updated on by Sampurna Samachar
વિસ્ફોટમાં ૬ કામદારોના મોત તો અન્ય ગંભીર ઘાયલ
કલેક્ટર અને પોલીસ અધિક્ષકે ઘટનાની જાણકારી મેળવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢના ભાટાપારા જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા હતા. બલોદાબજાર-ભાટાપારામાં એક સ્ટીલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જે વિસ્ફોટમાં છ કામદારોના મોતની આશંકા તો ૧૦ થી વધુ કામદારો ઘાયલ થયાના અહેવાલ છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી જઇ રાહત કામગીરી કરી હતી. અકસ્માતનું કારણ શોધવામાં આવી રહ્યું છે. અકસ્માતની માહિતી મળતાં, બાલોદાબજાર કલેક્ટર દીપક સોની અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કલેક્ટર સોની અને પોલીસ અધિક્ષક ભાવના ગુપ્તાએ ઘટનાની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં છ લોકોના મોત થયા છે.
વિસ્ફોટનું કારણ હજુ જાણી શકાયું નથી
આ ઘટના ભાટાપારા ગ્રામીણ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના નિપાનિયા ગામમાં સ્થિત રીઅલ ઇસ્પાત સ્પંન્જ આયર્ન ફેક્ટરીમાં બની હતી. આ અકસ્માત બાદ સ્ટીલ પ્લાન્ટ પરિસરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. વહીવટીતંત્રે સુરક્ષા કડક બનાવી દીધી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. પ્લાન્ટમાં હાજર અન્ય કામદારોએ ઘાયલોને ઝડપથી બહાર કાઢ્યા હતા, અને મૃતકોને પણ પ્લાન્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ અને અન્ય કટોકટી સેવાઓને જાણ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ફેક્ટરીના સ્પોન્જ આયર્ન યુનિટમાં વિસ્ફોટ થયો હતો, જે એટલો તીવ્ર હતો કે તેનાથી આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘણા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં, પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર, ફાયર વિભાગ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ પાંચ કામદારોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે બિલાસપુર રીફર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઘાયલોને સ્થાનિક હોસ્પિટલ અને ભાટાપારા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર આપવામાં આવી. સાવચેતીના પગલા તરીકે ફેક્ટરી પરિસર અને આસપાસનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે.
વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વહીવટીતંત્રે તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ રિપોર્ટ આવ્યા પછી જ અકસ્માતનું વાસ્તવિક કારણ જાણી શકાશે.