Last Updated on by Sampurna Samachar
ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરાશે
૭૦ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. મગફળી અને કપાસની ઉપજ લેવાના સમયે જ રાજ્યમાં માવઠાનો માર જોવા મળ્યો હતો. એક અઠવાડિયા સુધી પડેલા માવઠાના કારણે ઘણા જિલ્લામાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. આવામાં ઘણા ખેડૂતો નિરાશ થયા છે. તૈયાર પાક નાશ પામતા આ પાકને ખેતરમાંથી લેવાનો ખર્ચો પણ માથે પડે તેમ છે. જે કારણે ખેડૂતો આ પાક સળગાવી દેવા માટે મજબૂર બન્યા છે.

અમરેલી જિલ્લામાં સૌથી વધુ કમોસમી વરસાદ નોંધાયો હતો. જે કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના શાંતિનગર ગામના ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું હતું. જે કમોસમી વરસાદના કારણે તૈયાર પાક લેવામાં આવે તે પહેલા જ માવઠાના કારણે પાકને મોટાપાયે નુકસાન થયું હતું.
રાજ્યમાં ૨૪૯ તાલુકાના ૧૬૦૦૦થી વધારે ગામોમાં પાક નુકસાન
આ પાકને લેવાનો ખર્ચો અને મજૂરી વધારે હોવાના કારણે આ ખેડૂતો મગફળીના પાથરા સળગાવી દીધા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર, જો હવે આ મગફળીને બહાર લઈ જવામાં આવે તો તેમાં પણ મજૂરી લાગે છે. જે કારણે હવે ખેતરોમાં જ આ પાક બાળીને સરકાર સામે પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજની તાકીદે માંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે રાજ્યમાં સૌથી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ૨૨ લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે ગત વર્ષની સરખામણીમાં ૨૫ ટકા વધુ છે. અને વર્ષ ૨૦૧૭-૧૯ કરતા ત્રણ ગણું છે.
માવઠા પહેલા રાજ્યમાં ૬૬ લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો. હાલ સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા ૭૨૬૩ રૂપિયા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સરકાર ખેડૂતદીઠ ૧૨૫ મણ મગફળીની ખરીદી કરશે.
ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે પ્રાથમિક અંદાજ મુજબ, રાજ્યમાં ૨૪૯ તાલુકાના ૧૬૦૦૦થી વધારે ગામોમાં પાક નુકસાન થયું છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ નુકસાનની સામે હાલની સ્થિતિએ ૭૦ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીના વિસ્તારોની કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાની સાથે જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.