Last Updated on by Sampurna Samachar
મોટો વિસ્ફોટ થતા ૧૮થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
કાટોલ તહસીલના રાઉલગાંવમાં સ્થિત વિસ્ફોટકો બનાવતી કંપની SBL એનર્જી લિમિટેડમાં મોટો વિસ્ફોટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી એક ખાસ કરીને દુ:ખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. નાગપુર ગ્રામીણના કાટોલ તહસીલના રાઉલગાંવમાં સ્થિત વિસ્ફોટકો બનાવતી કંપની SBL એનર્જી લિમિટેડમાં એક મોટો વિસ્ફોટ થયો. નાગપુર ગ્રામીણ પોલીસ અધિક્ષકે પુષ્ટિ આપી કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૭ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૮ થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘટના સવારે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે, જ્યારે કંપની ખાણકામ અને ઔદ્યોગિક હેતુઓ માટે વિસ્ફોટકો બનાવી રહી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો પડઘો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો, જેનાથી નજીકના ગામોમાં ગભરાટ ફેલાઈ ગયો.
દુર્ઘટના સમયે યુનિટમાં અંદાજે ૨૫ થી ૩૦ શ્રમિકો કામ કરી રહ્યા હતા.
અનેક શ્રમિકોની હાલત નાજુક, પરિવારજનોની ભારે ભીડ
વિસ્ફોટના તરત જ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને ચારે બાજુ કાળા ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. સૂચના મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નાગપુરની નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં અનેકની હાલત નાજુક છે.
આશંકા છે કે ધડાકાની તીવ્રતા એટલી વધારે હતી કે કેટલાક મજૂરો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા હોઈ શકે છે. બચાવ ટુકડીઓ કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
એસબીએલ એનર્જી લિમિટેડ મુખ્યત્વે માઇનિંગ ક્ષેત્રમાં વપરાતા હેવી વિસ્ફોટકો બનાવે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દારૂગોળાના મિશ્રણ અથવા પેકિંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે.
કંપનીના પરિસરની બહાર શ્રમિકોના પરિવારજનોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે અને વાતાવરણ અત્યંત ગમગીન છે. આગ પર કાબૂ મેળવવા અને ફેક્ટરીની અંદર રહેલા જાેખમી રસાયણોને સુરક્ષિત કરવામાં લાગેલી છે જેથી ફરી કોઈ વિસ્ફોટ ન થાય. વહીવટીતંત્રે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે જેથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય અને બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરી શકાય.