આ ચકચારી ઘટના છે મહારાષ્ટ્રની
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. દેવામાં ડૂબેલા પતિ-પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. બંનેને કોઈ સંતાન ન હતું. આ કપલે પોતાના જીવનનો અંત લાવવા માટે એ જ તારીખ પસંદ કરી જે દિવસે તેમના લગ્ન થયા હતા. પતિ-પત્નીએ લગ્નના જ કપડાં પહેરીને મોતને વહાલું કરી લીધું છે. આ કાળજુ કંપાવનારી ઘટના માર્ટિનનગર વિસ્તારમાં બની હતી.
આત્મહત્યા કરનાર દંપતીના નામ જેરીલ ઉર્ફે ટોની ઓસ્કર મોનક્રીપ (ઉંમર ૫૪) અને એની જેરીલ મોનક્રીપ (ઉંમર ૪૫) છે. આ દંપતિએ આત્મહત્યા કરતાં પહેલાં વોટ્સએપ સ્ટેટસ પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે આત્મહત્યાપાછળનું કારણ જણાવ્યું હતું.
આ મામલે પોલીસે જણાવ્યું કે, જેરીલ અને એની મૈત્રીપૂર્ણ દંપતિ હતા. જેરીલ એક હોટલમાં શેફ તરીકે કામ કરતો હતો અને તેમના પત્ની હાઉસ વાઇફ હતા. તેમના દિલમાં દુઃખ એ વાતનું હતું કે લગ્નના ૨૫ વર્ષ પછી પણ તેમને કોઈ સંતાન નહોતું. તેનું જીવન સરળ રીતે ચાલી રહ્યું હતું. તેઓ પોતાને ખુશ રાખવાના તમામ પ્રયાસ કરતા હતા.
આ વચ્ચે જેરીલે પોતાની નોકરી ગુમાવી દીધી. જલ્દી નોકરી મળી જશે તેવી આશામાં તેઓ જીવી રહ્યા હતા અને લોન લઈને પરિવારની જરૂરિયાતો પૂરી કરતો હતો. ૬ જાન્યુઆરીના રોજ તેમની ૨૬મી વેડિંગ એનિવર્સરી હતી. તેઓએ ખૂબ જ ઉત્સાહથી તેની ઉજવણી કરી. બંને બહાર ગયા. બહાર ખાધું. મિત્રો અને સંબંધીઓ દિવસભર ટોની અને એનીને શુભકામનાઓ આપતા રહ્યા. તેણે તેમાંથી મોટા ભાગનાને જવાબ પણ આપ્યા. તે જ દિવસે તેમણે અચાનક મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું. સંબંધીઓએ વિચાર્યું કે તે થાકી ગયો હશે અથવા સૂતો હશે. જ્યાં બીજા દિવસે સવારે ૮-૯ વાગી ગયા તોય તેમના ઘરનો દરવાજો ન ખુલ્યો. પાડોશીઓને શંકા જતાં તેઓએ બારી ખોલીને ઘરની અંદર ડોકિયું કર્યું તો સામેનું દૃશ્ય જોઈ તેઓ દંગ રહી ગયા. બંનેએ ફાંસી લગાવી દીધી હતી.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી દીધી હતી. બંનેએ આત્મહત્યા કરતાં પહેલા લગ્નની એનિવર્સરી મનાવી હતી. સાંજે બંને ફરવા માટે બહાર નીકળ્યા હતા. તેણે આ ખુશીની ક્ષણને કેમેરામાં કેદ કરી હતી. આ ખુશીની ક્ષણ સંબંધીઓ સાથે શેર પણ કરી હતી. રાત્રે તેઓએ લગ્નના કપડાં પહેર્યા અને પછી સાથે આત્મહત્યા કરી લીધી.