Last Updated on by Sampurna Samachar
રસોઈયાને દવાખાને લઇ જતા તેનું મુર્ત્યુ નીપજ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નમાં અલગ અલગ જાતની ઘણી વસ્તુ ભોજનમાં રાખેલી હોય છે. આજકાલ લોકો આ ખાસ પ્રસંગને યાદગાર બનાવવા માટે અલગ-અલગ અને નવી રીતો અપનાવવા લાગ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, લગ્નનાં જમણવારમાં એક જગ્યાએ રસોયાએ ભૂલમાં લાડુને બદલે કાજુકતરી બનાવી દીધી હતી. અને ત્યારબાદ બબાલ થઇ ગઈ હોય.
બનાસકાંઠામાં ધાનેરાના સામરવાડામાં લગ્નમાં લાડુના બદલે કાજુ કતરી બનાવી દેતા કેટલાક લોકોએ રસોયા સાથે ઝઘડો કરી ધક્કો મારતા તેનું મૃત્યુ થયાનો કિસ્સો બહાર આવ્યો છે . જેમાં રસોઈયાને ધક્કો મરાતા રસોયો બેભાન થઈ ગયો ત્યારબાદ હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે.
આ ઘટના બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની છે. જ્યાં સામરવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં રાજસ્થાનના સુખદેવ પ્રજાપતિને રસોયાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં ૪૨ વર્ષીય રસોઈમાં સુખદેવ પ્રજાપતિએ લાડુને બદલે કાજુ કતરી બનાવી હતી. જેને લઈને રસોયા અને સગાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં રસોયાને સગાએ કથિત રીતે ધક્કો મારી દેતા તે નીચે પડી ગયા અને બેભાન થઈ ગયા હતા. આથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટ માર્ટમ રિપોર્ટમાં હ્રદયરોગથી મૃત્યુ થયું હોવાના અહેવાલો છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે અમને કોઇ મોટી લડાઈનો કોઈ પુરાવો મળ્યો નથી. આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, “સમરવાડાના રહેવાસી દેવાભાઇ મહેશ્વરીએ સુખદેવ પ્રજાપતિને તેમના ભત્રીજાના લગ્નમાં મીઠાઈઓ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં મીઠાઇમાં લાડુ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરતું અમુક મૂંઝવણને કારણે તેમણે કાજુ કતરી બનાવી નાખી હતી. જેનાથી ઘરધણી અને તેના ત્રણ સંબંધીઓ ગુસ્સે થયા હતા અને રસોયા સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરી તેને માર માર્યો હતો, તેને ધક્કો મારવામાં આવતા તે પડી ગયો હતો.