Last Updated on by Sampurna Samachar
પાંચ વ્યક્તિનો આબાદ બચાવ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપી કડીનો પરિવાર પરત જઇ રહ્યો હતો. ત્યારે કલોલ હાઇવ પર તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટેન્કરની જોરદાર ટક્કર વાગવા છતાં કારમાં સવાર બાળક સહિત પાંચ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના કારણે હાઇવે પરનો ટ્રાફિક કલાક સુધી જામ થઇ ગયો હતો.
અકસ્માતની વિગતો એવી છે કે કલોલ હાઇવે પર છત્રાલથી આવતુ ટેન્કર અમદાવાદ તરફ જઇ રહ્યુ હતું અને કડીનો પરિવાર એક કારમાં અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત કડી ખાતે જઇ રહ્યો હતો. ત્યારે કલોલ હાઇવ પર ગાયત્રી મંદિર સામે કાર અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા અક્સમાત સર્જાયો હતો. જોકે કારમાં બેઠેલા બે પુરૂષ, બે મહિલા અને એક બાળકને નાની મોટી ઇજાઓ થઇ હતી, પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરતા વાહનોનો કાફલો રવાના થઇ શક્યો હતો.